રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલની નવસારી શાખા ખાતે ધર્મજીવન સંત સંસ્કૃત પાઠશાળાનાં નુતન ભવનનું ઉદ્ઘાટન તથા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.
સંસારી સાધન સંપતિથી અને સાધુ સાધનાથી પૂજાય છે એમ રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલ દ્વારા નવસારી ખાતે ધર્મજીવન સંસ્કૃત પાઠશાળાના નૂતન ભવનના ઉદઘાટન પ્રસંગે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે કહ્યું હતું. વધુમાં તેઓએ પાઠશાળાના સંતોને ઉદેશીને કહ્યું કે, જીવન ઘડનારા સંતોથી સત્સંગની શાન વધે છે. સત્સંગની આન, બાન અને શાન વધારતા સંતો આ પાઠશાળામાંથી વધુને વધુ તૈયાર થાય તેવી ભગવાનને પ્રાર્થના કરીએ.
ધર્મજીવન સંત સંસ્કૃત પાઠશાળાના ઉદઘાટન સાથે તેઓના હસ્તે ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ. પ્રતિષ્ઠા નિમિતે મહાવિષ્ણુયાગવિધિ રાજકોટ ગુરૂકુલના ભુતપૂર્વ વિદ્યાર્થી દવે કિશોર મહારાજ ભકિતભાવથી કરાવેલ આદિવિધિમાં પાઠશાળાના મહંત ભકિતવલ્લભદાસજી, પાવનદાસજી સ્વામી તથા હરિમુકુંદદાસજી સ્વામી આદિ સંતો જોડાયેલા. નવસારી-ગણદેવ સ્ટેટ હાઈવે ઉપર નવાગામ ખાતે આવેલ ગૌશાળાની ૬૫ એકર ભુમિમાં ઠાકોરજીની નગરયાત્રા યોજાયેલ.
જેમાં પાઠશાળાના ભૂતપૂર્વ વિધાર્થી સહિત ૯૦ જેટલા સંતો તથા હરિભકતો જોડાયેલા. શ્રી પ્રભુસ્વામીના જણાવ્યાનુસાર આ સંત પાઠશાળામાંથી ૧૦ વર્ષમાં ૧૦૭ સંતોએ અભ્યાસ કર્યો છે. અહીં સંતજીવનની નીતિ-રીતિ સાથે સંસ્કૃત, સંગીત, કોમ્પ્યુટર, અંગ્રેજી, પ્રવચન, રસોઈ, સફાઈ, લેખન, યોગા તેમજ છાત્રાલય, સંસ્થા વગેરેનું મેનેજમેન્ટ તથા સંચાલક રુચિ અને ગુણાનુસાર શીખવવામાં આવે છે.
આ પ્રસંગે મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી, વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી તથા પ્રભુ સ્વામી વગેરેએ પ્રાસંગિક કથાવાર્તા કરેલ. સભા સંચાલન વિરકતજીવનદાસજી સ્વામી મુંબઈએ કરી હતી. આ પ્રસંગે રાજકોટ, જુનાગઢ, ભાયાવદર, ઉના, કેશોદ, ભાવનગર, મોરબી, વર્ણીન્દ્રધામ, નીલકંઠધામ પોઈંચા, વડોદરા, વિદ્યાનગર, અમદાવાદ, નવી મુંબઈ, વગેરે ગુરૂકુલોથી સંતો મોટી સંખ્યામાં પધાર્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com