પગારપંચનો સંપૂર્ણ અમલ થાય તો કોલેજના પ્રિન્સિપાલ બનવા પડાપડી નહીં થાય!
યુનિવર્સિટી અને કોલેજોમાં ફરજ બજાવતા પ્રોફેસરો માટે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સાતમુ પગારપંચ જાહેર કરવામાં આવ્યું છે. આ પગારપંચ પહેલા હાલમાં છઠ્ઠુ પગારપંચ અમલમાં છે. હાલના પગારપંચમાં અધ્યાપકો કરતાં પ્રિન્સિપાલને વધારે પગાર મળતો હોવાથી મોટી સંખ્યામાં પ્રોફેસરો પ્રિન્સિપાલ બનવા તૈયાર થઇ જતા હતા. પરંતુ સાતમા પગારપંચમાં જે પ્રમાણે જોગવાઇ કરવામાં આવી છે તે પ્રમાણે હવે પ્રોફેસર કરતાં પણ પ્રિન્સિપાલનો પગાર ઓછો થતો હોવાથી પ્રોફેસરો હવે પ્રિન્સિપાલ બનવા માટે તૈયાર થશે કે કેમ/ તેવો પ્રશ્ન ઊભો થયો છે.
કેન્દ્ર સરકાર દ્વારા સાતમુ પગારપંચ જાહેર કરી દેવાયું છે. રાજ્ય સરકાર દ્વારા તેનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવે છે કે નહીં તે અલગ પ્રશ્ન છે. પરંતુ શિક્ષણ સાથે સંકળાયેલા તજજ્ઞોએ સાતમા પગારપંચનો અભ્યાસ શરૂ કરી દીધો છે. શિક્ષણ્વિદ્દોના કહેવા પ્રમાણે હાલમાં યુનિવર્સિટીમાં એસો.પ્રોફેસરને ૩૭,૪૦૦ બેઝિક અને ૯ હજારનો ગ્રેડ પે આપવામાં આવે છે. જ્યારે કોલેજના પ્રિન્સિપાલને ૩૭,૪૦૦ બેઝિક અને ૯ હજાર ગ્રેડ પે મળતો હતો. પરંતુ જો પાંચ વર્ષ પુરા થઇ ગયા હોય તો ૪૩ હજાર બેઝિક અને ૧૦ હજાર ગ્રેડ પે આપવામાં આવે છે. પરંતુ નવા પગારપંચની જોગવાઇ પ્રમાણે યુનિવર્સિટી પ્રોફેસરોના પગાર ૧ લાખ ૪૧ હજાર બેઝિક કરી દેવામાં આવ્યા છે. આ પ્રમાણે ગણતરી થાય તો પ્રિન્સિપાલને ખરેખર ૧ લાખ ૮૧ હજાર જેટલો પગાર થવો જોઇએ પરંતુ સાતમા પગારપંચમાં એસો.પ્રોફેસરની સમકક્ષ એટલે કે ૧ લાખ ૨૨ હજાર પગાર કરી દેવાયો છે. પ્રિન્સિપાલ હોય તેમને દર મહિને અલગથી બે હજાર રૂપિયા એલાઉન્સ આપવાનું નક્કી કરાયું છે. એટલે કે પ્રિન્સિપાલ કરતાં હવે પ્રોફેસરનો ગ્રેડ વધી જાય છે.
આમ, હવે પ્રિન્સિપાલ થઇને એસો.પ્રોફેસરની સમકક્ષ પગાર અને અનેક પ્રકારની જવાબદારી સ્વીકારવી પડે તેમ છે. આ પરિસ્થિતિમાં પગારમાં કોઇ મોટો ફરક પડતો ન હોવાથી પ્રિન્સિપાલ બનવા કરતાં પ્રોફેસર તરીકે જ રહેવામાં વધુ અનુકુળતાં રહે તેવી સ્થિતિ ઊભી થઇ છે. સૂત્રો કહે છે અત્યાર સુધી પ્રિન્સિપાલ બનવાથી પગારમાં મોટો ફરક પડતો હોવાથી અનેક પ્રોફેસરો કોલેજમાં પ્રિન્સિપાલ બનવાની સ્પર્ધામાં રહેતા હતા. પરંતુ હવે સાતમા પગારપંચનો સંપૂર્ણપણે અમલ થાય તો પ્રિન્સિપાલ બનતાં પહેલા પ્રોફેસરો સો વખત વિચાર કરે તેવી સ્થિતિ સર્જાઇ તેમ છે.