પ્રિન્સેસ સ્કૂલમાં વાર્ષિક મહોત્સવ ઉજવાયો
ભવિષ્ય ઘડતરની સાથે પોતાની અંદર રહેલી ટેલેન્ટને ખીલવવા અને એક પ્લેટફોર્મ પુરૂ પાડવાના સુંદર આશય સાથે શહેરની પ્રિન્સેસ સ્કૂલ દ્વારા ગુરૂવાર હેમુગઢવી ઓડિટોરીયમ ખાતે ધમાકેદાર એન્યુઅલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્સરીથી લઇ ધો.૧૨ સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ રીતે પોતાની કલા પ્રદર્શિત કરી ઉપસ્થિત સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમની વિશેષતા એ પણ હતી કે, મહિલા પી.આઇ. સર સેજલ પટેલ તેમની દુર્ગા શક્તિ ટીમ સાથે હાજર રહ્યા જેણે રેડ એફએમ ફેઇમ આર.જે. ઇશિતા સાથે સંવાદ કરી અને બાળકો તેમજ વાલીઓને “મહિલા સુરક્ષીતા” એપ વિશે માહિતગાર કર્યા હતા. છેલ્લા ૪૫ વર્ષથી પ્રિન્સેસ સ્કૂલમાં આવા કાર્યક્રમો યોજી અક્ષરજ્ઞાનની સાથે જીવનની વાસ્તવિક્તાનું જ્ઞાન આપવાનું ભગિરથ કાર્ય થઇ રહ્યું છે.
બાળકોમાં સદગુણો અને સંસ્કારીતા સિંચનનું કામ સ્કૂલના મોભિ ઇન્દુભાઇ ભટ્ટ દ્વારા છેલ્લા ૪૫ વર્ષથી થઇ રહ્યું છે તે સરાહનિય છે. ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા, બોલીવુડ સ્ટાઇલ ડાન્સ, તેમજ એક સાથે ૪૦૦ થી વધુ બાળકોએ દિલધડક રજુઆતો કરી હતી. એટલું જ નહીં કાર્યક્રમનું સુંદર રીતે સંચાલન પણ બાળકોએજ કર્યું હતું. કાર્યક્રમમાં પી.આઇ. સર સેજલ પટેલ, ગુણવંતભાઇ ડેલાવાલા, ડી.વી.મહેતા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. તેમજ પ્રિન્સેસ સ્કૂલના મોભિ ઇન્દુભાઇ ભટ્ટ, પ્રિન્સીપાલ રવિભાઇ ભટ્ટ તથા મમતા મેડમનું માર્ગદર્શન રહ્યું હતું જ્યારે શાળાના મીતભાઇ ભટ્ટના મેનેજમેન્ટ હેઠળ પ્રખ્યાત ક્રિએટીવ ઝોન તેમજ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ વાર્ષિકોત્સવને યાદગાર બનાવી દિધો હતો.