વડાપ્રધાન મોદીને રૂબરૂ મળી ઈંટ આપવાની ઈચ્છા વ્યકત કરી
અંતિમ મુઘલ શાસક બહાદુર શાહ ઝફરના વંશજ પ્રિન્સ હબીબુદ્દીન તુસીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સોનાની ઈંટ આપવાની તૈયારી દર્શાવી હતી. ભૂતકાળમાં તેઓએ રામ મંદિર બનશે તો સોનાની ઈંટ આપીશ તેવો દાવો કર્યો હતો. હવે આ દાવાને તેઓ હકીકતમાં ફેરવવા જઈ રહ્યાં છે.
પ્રિન્સ તુસી અત્યારે શમશાહબાદમાં રહે છે અને રામ મંદિરના બાંધકામ માટે સોનાની ઈંટ આપવાની તૈયારી દર્શાવી છે. મંદિરના બાંધકામ માટે પ્રથમ મુકાનાર ઈંટ આ સોનાની રહે તેવો આગ્રહ પણ રાખ્યો છે. ૧ કિલોની આ ઈંટની કિંમત રૂા.૧.૮૦ કરોડ છે. દોઢ મહિલા પહેલા પ્રિન્સ તુસીએ આ ઈંટ દિલ્હી ખાતે બનાવી હતી. આ અંગે વડાપ્રધાન મોદીને પત્ર લખીને જાણ પણ કરી છે. તેઓ મોદીને મળીને આ ઈંટ રૂબરૂમાં આપવા માંગે છે.
તેમણે જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સમયે હું ત્યાં હાજર રહેવા માંગુ છું, કોરોનાની મહામારીના કારણે આ સમારંભમાં ઓછા લોકો હશે. પરંતુ જો મને આમંત્રણ આપવામાં આવશે તો હું ત્યાં જરૂર જઈશ. આ ઈંટ ઉપર જય શ્રી રામ લખેલું છે. નોંધનીય છે કે, અગાઉ જ્યારે પ્રિન્સ તુસીએ સોનાની ઈંટ આપવાની ઓફર કરી હતી ત્યારે ઘણા લોકોએ તેમના આ દાવાને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો. ત્યારબાદ હવે ફરીથી તેમણે આ ઈંટ આપવાની તૈયારી દર્શાવી છે. તેમની ઈંટથી જ રામ મંદિર નિર્માણના બાંધકામની શરૂઆત થશે તેવી શકયતા છે.
૧.૮૦ કરોડની સોનાની ઈંટ પર લખાશે ‘જય શ્રી રામ’
મુઘલ વારસ પ્રિન્સ તુસી દ્વારા જે સોનાની ઈંટ આપવાની ઈચ્છા વ્યકત કરવામાં આવી છે તેનું વજન ૧ કિલો છે. તેનું કિંમત રૂા.૧.૮૦ કરોડ આંકવામાં આવી રહી છે. આ ઈંટ ઉપર ‘જય શ્રી રામ’ લખવામાં આવશે તેવું પણ જાણવા મળે છે.