કેન્દ્ર સરકારને આઠ વર્ષ પૂર્ણ થતા ઉજવણીનો ગોઠવાતો તખ્તો: ગુજરાતના વિકાસ કામો અંગે પણ ચર્ચા: અગ્ર સચિવ પંકજ કુમાર પણ જોડાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે બપોરે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રીના સરકારી નિવાસસ્થાન ખાતે સી.એમ.ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે વર્ચ્યૂઅલી બેઠક યોજી હતી. જેમાં રાજ્યના વિકાસ કામો સહિતના વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે પોતાના હોમ સ્ટેટમાં ફરી ભાજપને પૂર્ણ બહુમત મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના હાથમાં કમાન લઇ લીધી છે. બંને નેતાઓ છાશવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 28 અને 29મી મેના રોજ વડાપ્રધાન અને ગૃહમંત્રી ફરી માદરે વતનની મૂલાકાતે આવી રહ્યા છે.
દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે વર્ચ્યૂઅલી બેઠક યોજી હતી. જેમાં અગ્ર સચિવ પંકજ કુમાર પણ જોડાયા હતા. આવતા સપ્તાહે કેન્દ્રની એનડીએ સરકારને આઠ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.
ત્યારે તેની સેવાકીય ઉજવણી કરવાનું આયોજન ઘડાય રહ્યુ છે. કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધીઓ અને પ્રજાલક્ષી યોજનાઓ અંગે લોકોને માહિતી આપવામાં આવશે. આજે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાથેની વર્ચ્યૂઅલી બેઠકમાં વડાપ્રધાને ગુજરાતમાં આવતા અલગ-અલગ વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સાથોસાથ કેન્દ્ર સરકારને આઠ વર્ષ પૂર્ણ થતા હોય તેની ઉજવણી અંગે પણ ચર્ચા કરાય હતી.
સુરતમાં પટેલ-પાટીલની જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ આદિવાસી વિસ્તાર – સમાજ માટે મોટી જાહેરાત કરાય તેવી સંભાવના
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ આજે બપોરે સુરતમાં સર્કિટ હાઉસ ખાતે એક સંયુકત પત્રકાર પરિસદ યોજાશે. જેમાં આદિવાસી બેલ્ટ અને સમાજ માટે કોઇ મોટી જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ગુજરાતમાં ગત સપ્ટેમ્બર માસમાં નેતૃત્વ પરિવર્તન થયાના આઠ મહિના બાદ આજે પ્રથમવાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સંયુકત પ્રેસ કોન્ફરન્સ યોજાશે. બપોરે સુરતમાં સર્કિટ હાઉસ ખાતે યોજનારી પત્રકાર પરિસદમાં આદિવાસી વિસ્તાર માટે મોટી જાહેરાત કરવામાં આવશે.