- બંદોબસ્ત માટે અલગ અલગ જિલ્લાઓમાંથી પોલીસ કર્મચારીઓની માંગણી કરાશે
આગામી 15 સપ્ટેમ્બરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. દરમિયાન 16 તારીખે મુસ્લિમ બિરાદરોનો પર્વ ઈદ અને 17મીએ ગણેશ વિસર્જન છે. એકબાજુ વડાપ્રધાનની સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત, બીજી બાજુ હિન્દૂ અને મુસ્લિમ બિરાદરોના પર્વ અને તેમાં પણ રાજ્યમાં ગણેશ પંડાલ પર થયેલી પથ્થરમારાની ઘટનાઓ બની છે ત્યારે આ ત્રણ દિવસ રાજ્ય પોલીસ બેડા માટે અગ્નિપરીક્ષા જેવા સાબિત થનાર છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકસભાની ચૂંટણી બાદ પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 15મીએ તેમનુ બપોરે 4:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. જ્યાંથી તેઓ સીધા જ વડસર એરફોર્સ ખાતે નવા ઑપરેશન કોમ્પ્લેક્સની મુલાકાતે જનાર છે. જે બાદ તેઓ રાજભવન જશે અને અલગ અલગ બેઠકમાં ભાગ લેનાર છે. 16મીએ સવારે 10 વાગ્યે તેઓ 4થી ગ્લોબલ રી-ઇન્વેસ્ટમેન્ટ રીન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કરવા જનાર છે. જે બાદ બપોરે દોઢ વાગ્યે તેઓ ગાંધીનગર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે અને બપોરે 3:30 કલાકે જીએમડીસી ગ્રાઉન્ડમાં જંગી સભાનું સંબોધન કરશે. જેથી આ તમામ કાર્યક્રમો દરમિયાન હજારોની સંખ્યામાં પોલીસ જવાનો વડાપ્રધાનનો લોખંડી બંદોબસ્ત જાળવનાર છે.
બીજી બાજુ 16 સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર પર્વ ઈદ છે. ખાસ કરીને અમદાવાદ સહિતના શહેર -જિલ્લાઓમાં ઈદ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે એકબાજુ ઈદનો પર્વ અને બીજી બાજુ અમદાવાદ ખાતે વડાપ્રધાનના વિવિધ કાર્યક્રમો ચાલતા હશે. ત્યારે પોલીસે એક જ દિવસે અલગ અલગ બે બંદોબસ્ત જાળવવો પડશે.
અધૂરામાં પૂરું 17મી સપ્ટેમ્બરના રોજ ગણેશ મહોત્સવની પુર્ણાહુતી થતી હોય મોટી સંખ્યામાં લોકો ગણેશ વિસર્જન માટે ઉમટી પડતા હોય છે. ત્યારે એકબાજુ વડાપ્રધાન સવારે 9 વાગ્યાં આસપાસ અમદાવાદથી સીધા જ ભુવનેશ્વર જવા રવાના થશે અને બીજી બાજુ લોકો વિસર્જન કરવા માટે ઘરમાંથી નીકળશે ત્યારે ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવી પણ પોલીસ માટે અત્યંત મોટો પડકાર બની જશે. બીજી બાજુ તાજેતરમાં સુરત, વડોદરા, ભરૂચ અને કચ્છમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટનાને પગલે અગાઉથી જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.
આમ ત્રિવિધ કાર્યકર્મોને લીધે પોલીસે આ ત્રણેય બાબતોને ધ્યાને રાખી બંદોબસ્ત પ્લાન ઘડવામાં આવશે. ઉલ્લેખનીય બાબત છે કે, આ ત્રણેય બાબતોને ધ્યાને રાખીને અલગ અલગ શહેર-જિલ્લાઓમાંથી પોલીસ કર્મચારીઓને અમદાવાદ-ગાંધીનગરમાં ફરજ આપવામાં આવશે તેવું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.