કેન્દ્ર દ્વારા વિવિધ રોજગારલક્ષી તાલીમો આપવાની સાથે તાલીમબદ્ધને નોકરીની તકો મળે એવું સંકલન કરવામાં આવે
વડોદરામાં કાર્યરત પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર આયોજિત રોજગાર મેળાનો અકોટાના ધારાસભ્ય શ્રીમતી સીમાબહેન મોહિલેએ શુભારંભ કરાવ્યો હતો. તેમણે યુવા સમુદાયને રોજગારલક્ષી કૌશલ્યોની તાલીમ આપવાની સાથે, વિવિધ એકમો સાથે સંકલન કરીને તાલીમબદ્ધોને નોકરીની યોગ્ય તકો ઉપલબ્ધ કરાવવાની કેન્દ્રની પ્રવૃત્તિઓને બિરદાવી હતી તથા સફળ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું.
કેન્દ્રના સુકાની શ્રી શિવેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, તાલીમબદ્ધ ઉમેદવારોને નોકરીની સુયોગ્ય તકો મળે એ માટે કેન્દ્ર દ્વારા અવાર-નવાર રોજગાર ભરતી મેળા યોજવામાં આવે છે. આજે યોજાયેલા રોજગાર મેળામાં કેન્દ્રની કૌશલ્યવર્ધક તાલીમો મેળવનારા ૨૦૦ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જે પૈકી ૫૦ ઉમેદવારોની જુદા જુદા પ્રતિષ્ઠિત એકમોએ નોકરી માટે પસંદગી કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ કેન્દ્ર દ્વારા સેવા અને ટેકનીકલ ક્ષેત્રોમાં જેની સારી માંગ છે એવા રીટેલ સેલ્સ એસોસીએટ, આસીસ્ટન્ટ ઇલેકટ્રીશ્યન, ડોક્યુમેંટ આસીસ્ટન્ટ, કસ્ટમર કેર એક્ઝીક્યુટીવ, સિલાઇ મશીન ઓપરેટર જેવા કૌશલ્યોની તાલીમ આપવામાં આવે છે. તાલીમ આપવાની સાથે વિવિધ એકમોમાં આ પ્રકારની માનવસંપદા આવશ્યકતાઓની જાણકારી મેળવીને સંકલિત રોજગાર મેળા યોજવામાં આવે છે. જેનાથી તાલીમબદ્ધ યુવાનો અને નોકરીદાતાઓ, બંનેને લાભ થાય છે. ઉલ્લેખનીય છે કે આ કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે.