- નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસ અનુસંધાને સ્થળ નિરીક્ષણ અને બેઠકનો ધમધમાટ કરતા હર્ષ સંઘવી
વડાપ્રધાન મોદી આવતીકાલે રાજકોટ પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ગત શુક્રવારના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ પહોંચ્યા હતા અને વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે સ્થળ નિરીક્ષણ તેમજ અધિકારી-પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના રોડ શો અને જાહેરસભામાં અભૂતપૂર્વ મેદની ઉમટી પડનારી છે.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનારા કાર્યક્રમ અંગે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનના કાર્યક્રમ અંગેની બેઠક વ્યવસ્થા, વિક્ષેપ-રહિત વીજ પુરવઠો, ગ્રીન રૂમ તથા અન્ય વ્યવસ્થાઓ અને આકસ્મિક સંજોગોને પહોંચી વળવાની તંત્રની તૈયારીઓ વિશે સમીક્ષા કરી હતી. અને સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા જરૂરી સૂચનાઓ આપી હતી.
ગૃહ રાજ્યમંત્રી સંઘવી સાથે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાળા તથા દર્શિતાબેન શાહ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, કલેક્ટર પ્રભવ જોષી, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ તથા અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ જોડાયા હતા.
દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું લે, આગામી 25મી ફેબ્રુઆરીના રોજ જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના રોડ શો અને જાહેરસભામાં અભૂતપૂર્વ મેદની ઉમટી પડશે તેવું જણાવ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘અબતક’નું વાંચન કરી ‘રાજયને ડ્રગ્સમુકત બનાવવાના આહવાનને ઝીલતી પોલીસ’ અહેવાલની પ્રસંશા કરી હતી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ હેરોઇન પ્રકરણ અંગે પણ આપી માહિતી
ગૃહ રાજ્યમંત્રી સમગ્ર ઓપરેશનની જાણકારી આપી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગીર-સોમનાથ પોલીસ ટીમને એક મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. પોલીસે આજે 350 કરોડની કિંમતનું હેરોઇન ડ્રગ્સ ઝડપી પાડી 9 આરોપીની ધરપકડ કરી છે. આ નેટવર્ક પાછળ છેલ્લા કેટલાક દિવસોથી પોલીસની ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવી હતી. સતત બે દિવસથી રાત- દિવસ સતત વોચમાં રહી. અંતે, આજે 350 કરોડ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ ડ્રગ્સ જથ્થા સાથે પાકિસ્તાન-ઇરાક સાથે નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં હજુ પણ પૂછપરછ ચાલુ છે અને ઉપરથી નીચે સુધી કોઈને પણ છોડવામાં આવશે નહીં. તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
બે વર્ષમાં મહિલા વિરોધી ગુન્હામાં 28 જેટલાં દોષિતોને આજીવન કેદ અને ફાંસીની સજા અપાઈ : હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના સંબોધનમાં આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં પોલીસ દ્વારા મહિલા સુરક્ષા વિષયમાં ગંભીરતાપૂર્વક કામગીરી કરીને આશરે 29 જેટલા કેસોમાં ખુબ ઓછા સમયમાં આજીવન કેદ અને ફાંસીની સજા સુધીના ચુકાદા લઇ આવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓ વિરુદ્ધના ક્રાઇમ રેટમાં ગુજરાતનું સ્થાન દેશભરમાં 33માં ક્રમે છે.