અબતક- નવી દિલ્હી
આજ રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બાળકોને રાષ્ટ્રીય પુરસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ’વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ વિજેતાઓ સાથે વાત કરી હતી. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા પ્રમાણે પુરસ્કાર વિજેતાઓને ડિજિટલ સર્ટીફિકેટ આપવામાં આવશે. આ પુરસ્કાર માટે આખા દેશમાં 61 બાળકોની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 33 બાળકોને ગયા વર્ષ માટે અને 29 બાળકોને આ વર્ષે માટે પસંદ કરવામાં આવ્યા છે.
સમારોહ દરમિયાન વડાપ્રધાન બ્લોક ચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કાર્યક્રમના વિજેતાઓને ડિજિટલ સર્ટીફિકેટ આપવામાં આવ્યા છે. આ સમારોહમાં વડાપ્રધાન રાષ્ટ્રીય પુરસ્કારના વિજેતાઓને પણ સર્ટીફિકેટ આપવામાં આવ્યા. ગયા વર્ષે કોરોનાના કારણે તેમને સર્ટીફિકેટ આપી શકાયા નથી. વિજેતાઓને સર્ટીફિકેટ આપવા માટે પહેલીવાર બ્લોક ચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અમુક બાળકો સાથે વાતચીત કરી હતી. આ પહેલાં તેમણે મધ્ય પ્રદેશના માસ્ટર અવિ શર્મા સાથે વાત કરી હતી. મોદીએ કહ્યું- તમે લેખક છો, વ્યાખ્યાન આપો છો અને તમને બાળમુખી રામાયણ પણ લખી છે. આટલું કેવી રીતે કરી શકો છો, બાળપણ વધ્યું છે કે, એ પણ ખતમ થઈ ગયું છે.
આ વિશે અવિએ જવાબ આપ્યો કે, બધુ ભગવાન રામની કૃપાથી આશિર્વાદથી થઈ રહ્યું છે. સાથે જ અવિએ એવુ પણ કહ્યું કે, મોદી જ તેમના પ્રેરણા સ્ત્રોત છે. અવિએ મોદીને કહ્યું કે, લોકડાઉનમાં જ્યારે અમે બાળકો હતાશ થતા હતા ત્યારે તમે જ ટીવી પર રામાયણ પ્રસારિત કરાવી. જ્યારે રામાયણ જોઈ તો લાગ્યું કે, ભગવાન રામનું ચરિત્ર બાળકો ભૂલી રહ્યા છે. ભગવાન રામના આદર્શ બાળકો આ રામાયણમાંથી શીખે તેથી મેં આ રામાયણ લખી છે.
બાળકોને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ’તમને બધાને આ પુરસ્કાર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે પણ છે. હું દેશની દરેક દિકરીઓને શુભેચ્છાઓ આપુ છું. તમારા માતા-પિતા અને ટિચર્સને પણ શુભેચ્છાઓ આપુ છું. આજે તમે જ્યાં છો તેની પાછળ તેમનું પણ યોગદાન છે. તમારી દરેક સફળતા, તમારા પોતાના લોકોની પણ સફળતા છે.’
આ સાથે વધુમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે પુરસ્કારની સાથે તમને જવાબદારી પણ મલી છે. દરેક લોકોની તમારા તરફથી અપેક્ષા વધી ગઈ છે. તમારે પ્રેશરમાં નથી આવવાનું, પરંતુ તેનાથી પ્રેરણા લેવાની છે. આઝાદીન લડાઈમાં વીર બાળા કનકલતા બરુઆ, ખુદીરામ બૌઝ જેવા વીરોનો એવા ઈતિહાસ છે જે ગર્વ અપાવે છે. આ સેનાનીઓએ નાની ઉંમરમાં જ દેશની આઝાદીને તેમના જીવનનું મિશન બનાવી દીધું છે. તેના માટે પોતાને સમર્પિત કરી દીધા છે.
વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ભારતમાં રહેતા 5થી 17 વર્ષના બાળકોને આપવામાં આવે છે. જેમણે શિક્ષણમાં, રમતમાં, કલા-સંસ્કૃતિ. સમાજસેવા અને બહાદુરી જેવા ક્ષેત્રે અસાધારણ પ્રદર્શન કર્યું હોય તેમને આ પુરસ્કાર આપવામાં આવે છે. દરેક પુરસ્કાર વિજેતાને 1 લાખ રૂપિયાની રકમ પણ ઈનામ પેટે આપવામાં આવે છે.
બ્લોકચેન ટેક્નોલોજીમાં બ્લોકનો અર્થ બહુ બધા ડેટા બ્લોક્સ સાથે છે. તેના દ્વારા અલગ-અલગ બ્લોક્સમાં ડેટાને સ્ટોર કરવામાં આવે છે. તે એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેના કારણે ડેટાની એક લાંબી ચેઈન બને છે. નવો ડેટા આવતા તેને એક નવા બ્લોકમાં સ્ટોર કરવામાં આવે છે. એક વાર જ્યારે બ્લોક ડેટાથી ભરાઈ જાય ત્યારે તેને પાછળના બ્લોક સાથે જોડી દેવાય છે. આમ આ રીતે કોઈ પણ લેવલના તે જેટામાં ફેરફાર અથવા ચેડા કરી શકાય નથી. તેના કારણે બ્લોકચેન ટેક્નોલોજી સુરક્ષીત માનવામાં આવે છે.
આ સમારોહમાં બાળકો તેમના માતા-પિતા અને સંબંધિત જિલ્લા મજિસ્ટ્રેટ સાથે જિલ્લા મુખ્યાલયથી આ કાર્યક્રમમાં સામેલ થશે. આ પુરસ્કાર રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં રાષ્ટ્રપતિ આપે છે. વડાપ્રધાન દર વર્ષે પુરસ્કાર વિજેતાઓ સાથે વાત કરે છે.બાળ પુરસ્કાર વિજેતા દર વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં પણ સામેલ થાય છે. જોકે કોરોનાના કારણે આ વખતે સમારોહ વર્ચ્યુલી આયોજિત કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને રાજ્ય મંત્રી ડો. મુંજપારા મહેન્દ્રભાઈ પણ જોડાયા હતા.