અસંગઠિત ક્ષેત્રના ૪૦ વર્ષ સુધી ઉંમરના બધા શ્રમયોગી ૧૫/૨/૨૦૧૯ થી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ યોજના મુજબ અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ૬૦ વર્ષ વયમર્યાદાને કારણ નિવૃત થાય ત્યારે ઓછામાં ઓછું લઘુતમ પેન્શન ૩૦૦૦ રૂપિયાની ચોકકસ રકમ આપવાની જોગવાઈ છે. આમાં ઘરમાં કામ કરનાર નોકર, રેંકડી ચલાવનાર, મધ્યાહન ભોજન કર્મચારી, ઈંટ-ભઠ્ઠા મજુર, મોચી, ધોબી, રીક્ષા ડ્રાઈવર, ભૂમિહીન ખેડુત અને બાંધકામ ક્ષેત્રમાં કામ કરતાં તમામ મજુરોનો સમાવેશ છે.

આ યોજના કાર્યકારી નાણામંત્રી પિયુષ ગોયલે વચગાળાના બજેટમાં જાહેરાત કરેલ હતી અને દેશભરમાં તા.૫/૩/૨૦૧૯ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આની શ‚આત કરી એક જ દિવસમાં આશરે ૧૦ લાખ લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું. આ યોજનાની જોગવાઈ મુજબ રૂ.૧૫,૦૦૦/- સુધીની માસિક આવકવાળા મજુરોને લઘુતમ રૂ.૩૦૦૦/-નું માસિક પેન્શન આપવામાં આવશે. આના માટે ઉંમર મુજબ માસિક ફાળો આપવાનો રહેશે અને એટલા જ ફાળાની રકમ સરકાર પોતાના તરફથી આપશે. જો કોઈ મજુર ૧૮ વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાય તો તેણે માસિક રૂ.૫૫/-નો જ ફાળો આપવાનો રહેશે. એ જ રીતે ૨૯ વર્ષની ઉંમરે જોડાનાર મજુરે રૂ.૧૦૦/- માસિક, જયારે ૪૦ વર્ષની ઉંમરવાળાએ રૂ.૨૦૦/-નો ફાળો આપવાનો રહેશે. આટલી જ રકમ સરકાર મજુરના ખાતામાં જમા કરાવશે.

કેન્દ્ર સરકારની સુચના મુજબ જે કર્મચારીઓ નેશનલ પેન્શન કર્મચારી, રાજય વિમા યોજના અથવા પ્રોવિડન્ટ ફંડમાં હશે તેઓને આ યોજનાનો લાભ (અસંગઠિત પેન્શન યોજના) લાભ મળશે નહીં. થોડા સમય પછી પીએમએસવાયએસની વેબસાઈટ તથા મોબાઈલ એપ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરવા અંગેની સુવિધા પ્રાપ્ત થશે. આ યોજનાનો લાભ અગરબતી બનાવનાર, ખેતી અને ખેત મશીનરી, પશુપાલન, અર્ક/તરલ પદાર્થ, ઓટોમોબાઈલ વર્કશોપ, બેકરી/બિસ્કીટ, બેંડ, ઢોલ-વાજુ વગાડવાવાળા, બંગડી, માળા, બ્યુટીશ્યન, બીડી, સાઈકલ રીપેરીંગ, ચાંદલા બનાવવાવાળા, સાબુ બનાવનાર, રમતગમત સાધન પેદા કરનાર, લોખંડ-સ્ટીલના વાસણો બનાવનાર, સફાઈ કરનાર, ચામડા ઉત્પાદન, ટેલીફોન બુથ-પીસીઓ, મંદિરમાં ઝાડના પાંદડા અને ફુલ ઉપાડનાર, તમાકુના પાન ભેગા કરનાર, લાકડાનું ફર્નિચર બનાવનાર, રમકડા, પરિવહન સેવા વગેરે રીતે કામ કરનાર આનો લાભ લઈ શકે છે. અસંગઠિત કર્મચારીઓને જાણકારી મળે અને લાભ લઈ શકે તે માટે વિસ્તારથી આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.