- વડાપ્રધાનના કાર્યક્રમ અંગે 100થી વધુ સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક સંગઠનો સાથે બેઠક યોજાઇ
- એક ટીમ તરીકે કામ કરવા રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીની અપીલ
19મીએ વડાપ્રધાન મોદી રાજકોટની મુલાકાતે પધારવાના છે. આ દરમિયાન એરપોર્ટથી રેસકોર્સ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજનાર છે.
વડાપ્રધાનના કાર્યક્રમ અંગે એકસોથી વધુ સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક સંગઠનો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં એક ટીમ તરીકે કામ કરવા રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીએ અપીલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તા. 19મી ઓક્ટોબરના રાજકોટના કાર્યક્રમ અન્વયે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. આજની આ બેઠકમાં વિવિધ એકસોથી વધુ સંગઠનો સાથે પ્રધાનમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌએ ખભેખભા મીલાવી એક ટીમ તરીકે કામ કરવા મંત્રી રૈયાણીએ અપીલ કરી હતી.
આજનીઆ બેઠકમાં મેયર પ્રદીપભાઇ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, કમલેશ મિરાણી, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી વગેરે આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમનું સુંદર આયોજન થાય તે માટે ઘનિષ્ઠ વિચાર વિમર્શ કર્યો હતો.
આજની બેઠકમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે એરપોર્ટથી રેસકોર્સના સભા સ્થળ સુધી રોડ-શો પણ યોજવાનું આયોજન છે. રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ લોકાર્પણો અને ખાતમુહૂર્તના કામો પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે.
વડાપ્રધાનના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો સહભાગી બને અને એક યાદગીરી રૂપ ભવ્ય કાર્યક્રમ યોજાઈ તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બાદમાં નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કરે આભાર દર્શન કર્યું હતુ.