૨૦૨૨ સુધીમાં દેશના દરેક નાગરિકોને ઘરનું ઘર આપવાનો કેન્દ્ર સરકારનો માત્ર લક્ષ્યાંક જ નહીં પરંતુ ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન
પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચાર ઘટક અંતર્ગત દેશમાં ૧ કરોડ મકાન બાંધવાનો ટાર્ગેટ: ૫૫ લાખ આવાસો માટે મંજૂરી પણ આપી દેવાઈ
સામાન્ય રીતે દરેક વ્યક્તિના જીવનમાં રોટી, કપડા અને મકાનનું અનેરૂ મહત્વ રહેલું છે. વ્યક્તિ આખી જીંદગી પેટે પાટા બાંધી પાઈ-પાઈ ભેગી કરે તો પણ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થતું નથી. દેશનો એક પણ નાગરિક આશરા વિહોણો ન રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખુબજ અંગત રસ લઈ બીડુ ઉપાડયું છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચાર ઘટક અંતર્ગત એક કરોડ મકાન બાંધવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને હાલ દેશમાં ૫૫ લાખ મકાનો બાંધવા માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માત્ર કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક નહીં પરંતુ ખુદ વડાપ્રધાનનું સ્વપ્ન હોય તેવું દેશવાસીઓ મહેસુસ કરી રહ્યાં છે.
દેશના વડાપ્રધાન પદે મે ૨૦૧૪માં સત્તારૂઢ થયાના એક વર્ષ બાદ અર્થાત જુલાઈ ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના દરેક નાગરિકને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મુકી હતી. જેમાં અલગ અલગ ચાર ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં પીપીપી, બીપીએલ, સીએલએસએસ અને એફોર્ડેબલ ઈન પાર્ટનરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પીપીપી આવાસ યોજના અંતર્ગત પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ અંતર્ગ સ્લમ વિસ્તારમાં વસવાટ કરતા ગરીબોને સ્થળ પર જ વિનામુલ્યે પાકા મકાન આપવામાં આવી રહ્યાં છે. ગુજરાત સહિત દેશના અનેક રાજયોએ આ યોજનાની અમલવારી શરૂ કરી દીધી છે. આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન રાજકોટની મુલાકાત દરમિયાન રૈયાધાર પીપીપી આવાસ યોજનાનું પણ લોકાર્પણ કરવાના છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા ઘટકમાં બીપીએલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લાભાર્થીની આગેવાનીમાં મકાનનું બાંધકામ કરવામાં આવે છે. અર્થાત કોઈ વ્યક્તિને મકાન બાંધવા માટે કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા સાડા ત્રણ લાખની સહાય આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ત્રીજા ઘટકમાં સીએલએસએસનો (ક્રેડીટ લીંક સબસીડી સ્કીમ) જેમાં જીવનમાં પ્રથમવાર મકાનની ખરીદી કરનાર મકાનને કેન્દ્ર સરકાર કે, રાજય સરકાર દ્વારા બેંક લોનમાં અમુક રકમ સુધીની સબસીડી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચોથા ઘટકમાં એફોર્ડેબલ ઈન પાર્ટનરનો સમાવેશ કરાયો છે. જે અંતર્ગત મધ્યમ વર્ગના લોકોને આવાસ મળી રહે તે માટે સરકાર દ્વારા મકાન બાંધવામાં આવે છે. જેમાં કોર્પોરેશન જમીનની ફાળવણી કરે છે. અમુક ગ્રાન્ટ સરકાર આપે છે જયારે અમુક રકમ લાભાર્થીને ચૂકવવાની રહે છે. અલગ અલગ ચાર ઘટકો અંતર્ગત ૨૦૨૨ સુધીમાં એક કરોડથી પણ વધુ મકાન બાંધવાનો લક્ષ્યાંક રાખી કેન્દ્રની મોદી સરકાર હાલ કામ કરી રહી છે. તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે જે અંતર્ગત અત્યાર સુધીમાં ૫૫ લાખ જેટલા મકાનો બાંધવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે અને મકાન બાંધવાના કામ પુરજોશમાં ચાલી રહ્યાં છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટમાં ૨૨૦૦૦ મકાન બનાવવાનો ટાર્ગેટ છે. જેમાં હાલ ૬૭૫૦ મકાનોનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. જયારે ૬૦૦૦ જેટલા આવાસોનો કબજો લાભાર્થીને સોંપી દેવામાં આવ્યો છે. અન્ય ૪૫૦૦ આવાસનો ડીપીઆર મંજૂર પણ થઈ ગયો હોય જેનું કામ ટૂંક સમયમાં શર કરવામાં આવશે. મહાપાલિકા દ્વારા તમામ આવાસ ગ્રીન બિલ્ડીંગ ક્ધસેપ્ટ પ્રિન્સીપલ સાથે બનાવવામાં આવી રહ્યાં છે. જેમાં પુરતા હવા-ઉજાસ હોવાના કારણે લાઈટ બીલમાં બચત થાય છે. વર્ષ ૨૦૨૨ પહેલા જ શહેરમાં ૨૨૦૦૦થી વધુ આવાસ બની જાય તેવી સંભાવના છે. સામાન્ય રીતે લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવાના સપનાના સોદાગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બની રહ્યાં હોય તેવી લાગી રહ્યું છે.
વડાપ્રધાનની સુરક્ષા માટે અભેદ્ કિલ્લેબંધી
વડાપ્રધાન જયારે ૩૦મી સપ્ટેમ્બરે રાજકોટ આવે છે ત્યારે તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ઝોન-૨નાં ડીસીપી મનોહરસિંહજીએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાન જે જે સ્થળોએ મુલાકાત લેવાના છે તે સ્થળો અને તેમના આવતા રૂટ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, કુલ ૭ એસપી લેવલના અધિકારી, ૧૮ જેટલા ડીવાયએસપી લેવલના અધિકારી અને કુલ ૩૦૦૦ પોલીસ જવાનોનો બંદોબસ્ત રાખેલ છે. તમામ જગ્યા પર અત્યારથી જ ચેકીંગ ચાલુ કરી દીધેલ છે. અને સિકયુરીટીમાં કોઈ જ કચાશ રાખવામાં નહી આવે વડાપ્રધાનના આખા રૂટને એન્ટી સપોટીંગ ચેકીંગ એસપીના અધિકારીઓ સાથે અત્યારથી જ રિવ્યુ કરી લીધેલા છે. જેથી સિકયુરીટી બ્રેક થવાના કોઈ જ ચાન્સ નથી.