૩૧મીએ સવારે કેવડીયા ખાતે રેલી ઓફ ફલાવર્સના કાર્યક્રમમાં આપશે હાજરી: સવારે ૧૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમમાં પહોંચશે
આગામી ૩૧મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાજરી આપવાના છે ત્યારે તેઓની ગુજરાત મુલાકાતનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થઈ ચૂકયો છે. વડાપ્રધાન ૩૦મીએ રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. બાદમાં રાજભવન ખાતે રાત્રી રોકાણ કરીને બીજા દિવસે ૩૧મીએ કેવડીયા ખાતે રેલી ઓફ ફલાવર્સના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ સવારે ૧૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમમાં પહોંચશે.
ગુજરાતને વૈશ્વીકસ્તરે ખ્યાતિ અપાવનાર વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુનું આગામી ૩૧મીએ અનાવરણ થવા જઈ રહ્યું છે. લોખંડી પૂરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા ૧૮૨ ફૂટ ઉંચી છે. આ ભવ્ય પ્રતિમા વડોદરા નજીક સાધુ બેટ નામના દ્વિપ પર ૩.૨ કિ.મી. દૂર નર્મદા ડેમની સામે તૈયાર કરવામાં આવી છે. ભારતના સ્વતંત્ર્તા ચળવળના નેતા અને એકતાના પ્રતિક ગણાતા એવા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત આ પ્રતિમાના નિર્માણથી આ વિસ્તારમાં પ્રવાસન પણ વિકસશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી ૩૧મીએ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જેના સમારોહમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ અને લોકો ઉમટી પડવાના છે.આ પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૧મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેવાના છે. તેઓ આગામી ૩૦મીએ રાત્રે ૮:૧૫ કલાકે દિલ્હીથી હવાઈ માર્ગે અમદાવાદ આવવા માટે નીકળશે.રાત્રે ૯:૩૦ કલાકે તેઓનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે. બાદમાં રાજભવન ખાતે રાત્રી રોકાણ કરીને તેઓ ૩૧મીએ સવારે ૭:૪૫ કલાકે કેવડીયા જવા રવાના થશે.
સવારે ૯:૦૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા પહોંચીને રેલી ઓફ ફલાવર્સ કાર્યક્રમમાં હાજરી આપશે. બાદમાં સવારે ૯:૩૦ કલાકે વડાપ્રધાન ટેન્ટ સિટી પહોંચશે. ત્યારબાદ ૧૦ કલાકે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમમાં પહોંચશે.બે કલાક સુધી આ કાર્યક્રમ ચાલશે. ત્યારબાદ વડાપ્રધાન હેલીકોપ્ટર મારફત વડોદરા જશે અને ત્યાંથી ૧ થી ૧:૧૫ આસપાસ દિલ્હી જવા રવાના થશે.