આજે સમાપન સમારોહમાં રાજકીય ઠરાવો પસાર કરી આગામી કાર્યક્રમની રૂપરેખા ઘડાશે
આજે ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનના સમારોપ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરક માર્ગદર્શન આપશે. રાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં સમગ્ર દેશભરમાંથી આવેલ ૫૦૦૦થી વધુ અપેક્ષિત મહિલા કાર્યકરો અને સમગ્ર રાજ્યમાંથી ૨૦,૦૦૦થી વધુ મહિલા કાર્યકર્તાઓ આ ખુલ્લા અધિવેશનમાં ભાગ લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું માર્ગદર્શન મેળવશે.
શુક્રવારે ત્રિમંદિર-અડાલજ, ગાંધીનગર અટલનગર ખાતે ભાજપાના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનનું કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીના વરદ્ હસ્તે શુભારંભ થયું હતું. આજના વિવિધ કાર્યક્રમો અને સત્રોમાં વિવિધ મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું.
આજે વિવિધ સત્રો યોજાશે તે પૈકી સવારે વિભાગસ: બેઠકો એક સાથે યોજાશે. કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની સંબોધન કરશે અને માર્ગદર્શન આપશે તે પછી રાજકીય ઠરાવ પસાર કરવામાં આવશે અને આગામી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવશે.
ભાજપા મહિલા મોરચાના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજી, રાષ્ટ્રીય મહામંત્રી શ્રીમતી સરોજ પાંડેજી, ભાજપા મહિલા મોરચાની રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી વિજ્યા રાહટકરજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ભાજપાના ધ્વજનો ધ્વજારોહણ કરાવી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
વિજ્યારાજે સિંધિયાજી, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની પ્રતિકૃતિ સોની ૬૦ ફૂટ લાંબી વિશાળ રંગોળીનું લોકાર્પણ કર્યુ હતુ અને ત્યારબાદ સૌ મહાનુભાવોએ એક વિશાળ ડીઝીટલ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યુ હતુ.
‘બેટી બચાવો – બેટી પઢાવો’ ‘ઉજ્જવલા યોજના’, ‘મુદ્રા બેંક લોન યોજના’, ‘શૌચાલય’, મેટરનીટી રજાઓમાં વધારો તે સિવાય અનેક મહિલાલક્ષી યોજનાઓની વિગતો તેમાં દર્શાવવામાં આવી અને અત્યાર સુધી કેટલા લાર્ભાીઓએ તેનો લાભ લીધો છે તેની પણ વિગતો દર્શાવવામાં આવી છે.