વડાપ્રધાન નરેન્દ્રમોદી ફરી ગુજરાતની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે. તેઓ માત્ર ત્રણ કલાક રોકાશે. મુખ્યત્વે તેઓ ગાંધીનગરના અક્ષરધામ મંદિરની રજત જયંતી નિમત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહ્યા છે. દરમિયાન તેઓ મુખ્યમંત્રી અને ભાજપ ના પદાધિકારીઓ સાથે પણ ચૂંટણીલક્ષીબેઠક યોજે તેવી શક્યતા છે.
મોદી જ્યારે ગુજરાતનાં હતા ત્યારથી જ તેઓને પ્રમુખ સ્વામી મહારાજ સાથે લાગણીનાં સંબંધો સાથેનો અતૂટ નાતો બંધાયો હતો. તેઓ અવારનવાર ‘બાપા’ને મળી તેમનાં આશિર્વાદ પણ લેતા હતા. પ્રમુખ સ્વામી મહારાજનું નિધન થયાની ખબર પડતાં જ મોદી તુરંત જ ગુજરાત ધસી આવ્યા હતા. તેમજ સારંગપુર સ્વામિનારાયણ મંદિરે જઈ બાપાના અંતિમ દર્શન કર્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજને પિતાતુલ્ય ગણતા વડાપ્રધાન મોદીએ અક્ષરધામની રજત જયંતિની ઉજવણીમાં હાજર રહેવા માટે બે મહિના પહેલા જ મંદિરનાં સંતોને સમય આપી દીધો હતો. ગુરુવારે સાંજે ૬ થી રાત્રીના ૯ વાગ્યા સુધી મંદિરમાં કાર્યક્રમ યોજાવાનો છે. ત્યાર બાદ મોડી રાત્રે જ મોદી અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થશે.