રોડ-શો અને જાહેરસભામાં મેદની ઉમટી પડતા ખુદ વડાપ્રધાને કાર્યકરો અને આગેવાનોનો આભાર માની રાજકોટવાસીઓને નતમસ્તક વંદન કર્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં જાહેર સભા અને રોડ-શો કર્યા હતા. ગત સપ્તાહે તેઓ જામનગર અને જામકંડોરણાની મૂલાકાત લીધી હતી. વડાપ્રધાનના પ્રવાસ બાદ સૌરાષ્ટ્રમાં ચૂંટણીનો બરાબરનો માહોલ બની ગયો છે. ભાજપના કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા ચાલી રહી છે. બીજી તરફ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસથી ભાજપના કાર્યકરો ફૂલ ફ્લેજમાં ચૂંટણીના મૂડમાં આવી ગયા છે અને રેકોર્ડબ્રેક બેઠકો જીતાડવા માટે અત્યારથી જ કામે લાગી ગયા છે.
છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દર સપ્તાહે ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. તેઓ રાજ્યના મોટાભાગના જિલ્લાઓ અને ઝોનમાં જાહેર સભા સંબોધી ચુક્યા છે અને અબજો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાત મુહુર્ત કરી ચુક્યા છે. આજે વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા પહેલાનો તેઓનો ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ હોવાનું મનાઇ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં વડાપ્રધાનના પ્રવાસ બાદ ચૂંટણીનો માહોલ બંધાય રહ્યો છે. કાર્યકરોનો ઉત્સાહ પણ હાલ સાતમાં આસમાને છે. આ વખતે ગુજરાતમાં ભાજપને રેકોર્ડબ્રેક બેઠકો જીતાડવા કાર્યકરો પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશે.
રોડ-શો અને જાહેર સભામાં માનવ મેદની ઉમટી પડતા વડાપ્રધાન પણ ખુશખુશાલ થઇ ગયા હતા. તેઓએ શહેર ભાજપને અભિનંદન પાઠવ્યા હતા.