- 1 મેના રોજ ડિસા અને હિંમતનગરમાં જયારે બીજી મેના રોજ આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જંગી ચૂંટણી સભાઓ સંબોધશે
- સુરેન્દ્રનગર સાથે રાજકોટને જુનાગઢ સાથે પોરબંદરને જોડી દેવાશે
ગુજરાતની લોકસભાની બેઠકો માટે ત્રીજા તબકકામાં 7મી મેના રોજ મતદાન થવાનું છે. હવે ચુંટણી પ્રચારના આડે માત્ર 11 દિવસ હાથમાં રહ્યા છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીનાટીમ સ્ટેટમાં સતત ત્રીજી વખત તમામ ર6 બેઠકો જીતવા ભાજપ દ્વારા જોરશોરથી ચુંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આવતા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 1 અને ર મેના રોજ રાજયમાં છ ચુંટણી સભાઓ સંબોધશે. બીજા રાઉન્ડમાં પાંચમી મેના રોજ પણ પી.એમ. ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવના જણાય રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હાલ દેશભરમાં ઝંઝાવતી ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. અલગ અલગ રાજયો ચુંટણી સભાઓ સંબોધી રહ્યા છે. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે આવતા સપ્તાહે બે દિવસ માટે પીએમ માદરે વતનમાં ચુંટણી પ્રચાર માટે આવશે 1 અને ર મેના રોજ ગુજરાતમાં અલગ અલગ છ સ્થળે ચૂંટણી સભાઓ ગજવશે.
ગુજરાત રાજયના સ્થાપના દિને 1 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના પ્રવાસે આવશે તેઓ બપોરે 3.30 કલાકે ડિસા ખાતે અને 5.15 કલાકે હિંમતનગર ખાતે ચુંટણી સભાઓ સંબોધશે.
જયારે ગુજરાત પ્રવાસના બીજા દિવસે બીજી મેના રોજ સવારે 11 કલાકે આણંદ ખાતે, બપોેરે 1 કલાકે સુરેન્દ્રનગર ખાતે, બપોરે 3.15 કલાકે જુનાગઢ ખાતે અને સાંજે પાંચ કલાકે જામનગર ખાતે ચુંટણી સભાઓ સંબોધશે. પીએમ 4 અથવા પાંચ મેના રોજ ફરી ગુજરાતમાં ચુંટણી પ્રચારે આવે તેવી સંભાવના નકારી શકાતી નથી. 7મી મેના રોજ મતદાન યોજાવાનું હોય પાંચમી મેએ સાંજે 6 કલાકે ચુંટણીના પ્રસાર પ્રચાર શાંત થઇ જશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે તેલંગણાના પ્રવાસે છે તેઓએ તેલંગણાની કરીમનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સંજયકુમારના ઉમેદવારી પત્ર ભરવાના અવરસે ઉ5સ્થિત રહ્યા હતા. બપોરે કુરનુલ બેઠકના ઉમેદવાર ભરત પ્રસાદ અને સાંજે નમપલ્લી બેઠકના ભાજપના ઉમેદવાર ના સમર્થનમાં ચુંટણી પ્રચાર કરશે.
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પૈકી સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાય આવ્યા છે. રાજ્યની હવે 25 લોકસભા બેઠક માટે સાતમી મેના રોજ મતદાન થવાનું છે.આ ઉપરાંત વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે પણ મતદાન થશે.રાજ્યમાં સતત ત્રીજી વખત તમામ બેઠકો કબજે કરવા આવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે મામલો હાથ પર લઈ લીધો હોય તેવું લાગી રહ્યું છે.આગામી શનિવાર અમિતભાઈ શાહ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ જામકંડોરણામાં ખાતે ચૂંટણી સભા સંબોધશે.મતદાન પૂર્વેના અંતિમ સપ્તાહમાં પ્રચાર પ્રસાર ચરમ સીમા પર પહોંચી જશે.ભાજપ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ આવતીકાલથી પ્રચાર અભિયાનને વેગ આપવામાં આવશે.ચૂંટણી સભા વડોદરા સહિતના કાર્યક્રમમાં આયોજન કરવામાં આવશે.તમામ રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવશે.સૌરાષ્ટ્રમાં રાજકોટ અને સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.