યુપીમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને મળેલી જીત બાદ ગુજરાતમાં વડાપ્રધાન બેવડા જોશથી ચૂંટણી પ્રચાર કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રથમ તબકકાના મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચાર પણ જોર પકડી રહ્યું છે. ચાલુ સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે વખત ગુજરાતનો પ્રવાસ કરી જાહેરસભાઓ સંબોધી હતી. દરમિયાન આવતીકાલે ફરી વડાપ્રધાન માદરે વતનમાં ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે.
ગુજરાત વિકાસ રેલી અંતર્ગત કાલે નરેન્દ્ર મોદી રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે જાહેરસભાઓને સંબોધશે તથા અમદાવાદ ખાતે એસજીવીપીની હોસ્પિટલનું લોકાર્પણ કરશે.
આવતીકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બપોરે ૧૨ કલાકે સુરેન્દ્રનગર ખાતે એમ.પી.શાહ કોલેજના ગ્રાઉન્ડ પર એક ચૂંટણીસભાને સંબોધશે અને સાંજે ૭:૦૦ કલાકે તેઓ રાજકોટમાં નાના-મવા સર્કલ પાસે સિલ્વર હાઈટસ સામે ૧૫૦ ફુટ રીંગ રોડ સ્થિત ગ્રાઉન્ડ ખાતે ચૂંટણીસભાને સંબોધશે. વડાપ્રધાનની સભાને લઈને ભાજપના કાર્યકરો અને સૌરાષ્ટ્રવાસીઓમાં ભારે જોશ અને જનુન જોવા મળી રહ્યું છે.
ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આવતીકાલે રાજકોટ ખાતે યોજાનારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભા પર માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ પરની નજર રહેલી છે. દેશના સૌથી મોટા રાજય ઉતરપ્રદેશમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ કાલે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બેવડા જોમ સાથે ચૂંટણીસભાઓ ગજવશે તેવી શકયતા જણાઈ રહી છે. સુરેન્દ્રનગર અને રાજકોટમાં વડાપ્રધાનના આગમનને લઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. લાખોની માનવ મેદની એકત્ર કરવા માટે ભાજપના નેતાઓ રિતસર કામે લાગી ગયા છે.
વડાપ્રધાન કાલથી બે દિવસ માટે ફરી ગુજરાતના પ્રવાસે હોય તેવો કાલે રાજકોટ અને સુરેન્દ્રનગર ઉપરાંત સોમવારે જૂનાગઢ, ભાવનગર, ભ‚ચ સહિતના અનેક શહેરોમાં ચૂંટણીસભાઓને સંબોધશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ તબકકામાં ૯મી ડિસેમ્બરે ૮૯ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે જેનો પ્રચાર પડઘમ ૭મી ડિસેમ્બરે સાંજે શાંત થઈ જશે ત્યારે કાલથી બે દિવસ નરેન્દ્રભાઈ મુલાકાત પ્રથમ તબકકાના મતદાન પૂર્વનો અંતિમ પ્રવાસ મનાઈ રહ્યો છે.