રાજયના પોલીસ વડા ગીથા જોહરી અને આઇબીના વડા શિવાનંદ ઝાએ ચોટીલા ખાતે બંદોબસ્તનું નિરિક્ષણ કર્યુ: એસપીજી કમાન્ડો સાથે ગાંધીનગરમાં આઇપીએસ અધિકારીઓની મિટીંગ બાદ બંદોબસ્તની સ્કીમને આખરી ઓપ અપાયો
ચોટીલાના હીરાસર ખાતે આધૂનિક એરપોર્ટના ખાતમુર્હત માટે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષા વ્યવસ્થાનું રાજયના પોલીસ વડા અને આઇબીના વડા દ્વારા નિરિક્ષણ કરાયા બાદ ગાંધીનગર ખાતે એસપીજી કમાન્ડો સાથે મિટીંગ યોજી બંદોબસ્તની સ્કીમને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
ચોટીલા ખાતે જાહેર સભા અને એરપોર્ટ ખાતમુર્હત સ્થળ પર સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં રાજયનું પોલીસતંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી કવાયત હાથ ધરવામાં આવી છે. સમગ્ર બંદોબસ્તનું સુપર વિઝન સિનિયર આઇપીએસ સંજય શ્રીવાસ્તવને સોપવામાં આવ્યું છે. રાજકોટ રેન્જના આઇજીપી ડી.એન.પટેલ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક મેઘાણીના માર્ગ દર્શન હેઠળ સમગ્ર બંદોબસ્તની સ્કીમને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
વડાપ્રધાનના બંદોબસ્તમાં એસપી કક્ષાના અધિકારીઓ એચ.આર.મુલીયાણા, શ્રીમતી શોભા ભૂતડા, નિલેશ જાજડીયા, એસ.કે.ગઢવી, આર.એન.પાંડે, ભાવનાબેન પટેલને ચોટીલા ખાતે મહત્વની જવાબદારી સોપવામાં આવી છે.
વડાપ્રધાનના આગમન પૂર્વે જ ચોટીલા પી.આઇ. કે.એ.વાળા, થાનગઢ પી.આઇ. આર.ટી.ચનુરા, સીપીઆઇ એમ.એમ.રાઠોડ, પી.એસ.આઇ. એ.ડી.ચાવડા સહિતના સ્ટાફે ચોટીલા અને આજુબાજુની તમામ હોટલ અને ગેસ્ટ હાઉસમાં ચેકીંગ કર્યુ હતુ અને હાઇ-વે પર વાહન ચેકીંગ સઘન બનાવ્યું છે. ચોટીલા મંદિર તેમજ તળેટી આજુબાજુના વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકીંગ કર્યુ હતું.