ગાંધીનગર સ્થિત કેશુભાઇના નિવાસ સ્થાને રૂબરૂ જઇ ‘ખરખરો’કર્યો
ગુજરાતના બે દિવસની મુલાકાતે આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે ગાંધીનગર સ્થિત પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને રૂબરૂ જઇ પુત્ર શોકમાં ગરકાવ કેશુભાઇને સાંત્વના પાઠવી હતી.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પુત્ર પ્રવિણભાઇ પટેલનું નિધન ગત શનિવારે અમેરિકાના ડલ્લાસમાં હ્રદયરોગનો તીવ્ર હુમલો આવતા થયું હતું. તેઓ ૬૦ વર્ષની ઉંમરના હતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હાલ બે દિવસની ગુજરાતની મુલાકાત પર છે. જો કે તેઓના સત્તાવાર કાર્યક્રમમાં ન હોવા છતાં આજે સવારે તેઓ ગાંધીનગર પહોંચી ગયા હતા જયાં તેઓએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને રૂબરૂ મળી પુત્રના અવસાન થતા સાત્વના પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૧ માં કેશુભાઇ પટેલના સ્થાને ભાજપ હાઇકમાન્ડ દ્વારા નરેન્દ્રભાઇ મોદીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની ચુઁટણીમાં ભાજપને હરાવવા કેશુભાઇ ખુલ્લીને સામે પડયા હતા.
અને ગુજરાત પરિવર્તન પાર્ટીના નામે નવો પક્ષ શ‚ કર્યો હતો. ચુંટણી સભાઓમાં તેઓ નરેન્દ્ર મોદીને ખાસ નિશાન બનાવતા હતા જો કે ચુંટણીમાં ધારી સફળતા ન મળતા તેઓની જીપીપી પાર્ટીને ભાજપમાં મર્જ કરી નાંખી હતી. વર્ષ ૨૦૧૨ની ચુંટણીમાં કેશુભાઇ પટેલ સામે હોવા છતાં ભાજપ કે તાત્કાલીક મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કેશુબાપા વિશે એક પણ ખરાબ શબ્દ ઉચ્ચાર્યા ન હતાં.
આટલું જ નહી ચુંટણી પરિણામના દિવસે નરેન્દ્રભાઇ કેશુભાઇના ઘેર અશિર્વાદ લેવા માટે પણ ગયા હતા. હાલ જયારે કેશુબાપા પુત્ર શોકમાં ગરકાવ છે ત્યારે પણ નરેન્દ્રભાઇએ પોતાના ધર્મ નિભાવ્યો છે અને કેશુભાઇના ઘેર રૂબરૂ થઇ તેઓને સાંત્વના પાઠવી હતી.