વન્યપ્રાણીને અભય બનાવી પર્યાવરણની જાળવણીમાં ગુજરાત દેશમાં આગેવાની લેવા પ્રતિબધ્ધ: મુખ્યમંત્રી રૂપાણી
કેન્દ્ર સરકાર દ્વારા સાસણ ખાતે વિશ્વ વાઇલ્ડ લાઇફ ડે ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહયું કે ગુજરાત વન્યપ્રાણીઓને અભયતાબક્ષી પર્યાવરણ અને વન પ્રકૃતિની જાળવણીમાં આગેવાની લેવા પ્રતિબધ્ધ છે.
મુખ્યમંત્રીએ જીઓ ઓર જીને દો ના ભારતીય સંસ્કૃતિના સનાતન સુત્રને સાર્થક કરવા રાજયમાં ચાલતા કરૂણા અભિયાનની ફલશ્રુતીની માહિતી આપી હતી. ગીરમાં સિંહોના સંવર્ધન માટે નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ર૦૦૭ માં રૂા. ૪૦ કરોડના પેકેજથી શરૂઆત કરી હતી. રાજય સરકારે એજ દિશામાં આગળ વધી પ્રોજેકટ લાયન માટે પુરતા ફંડની ફાળવણી કરી છે. મુખ્યમંત્રીએ પર્યાવરણ અને પ્રવાસનનો સંતુલીત વિકાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
રાજય સરકારની સિંહ સંવર્ધન, જતન અને સંરક્ષણની નીતિ અને લોક સહયોગને લીધે આજે સિંહોની વસ્તી ૬૦૦ આસપાસ પહોંચી છે તેમ જણાવી સિંહ રેસ્કયુ ઓપરેશનમાં મહિલા વન કર્મચારીઓના ફાળાને બિરદાવ્યો હતો. સાસણ આજે વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન પામ્યું છે તેમ જણાવી ઇકો ટુરિઝમ પેાલીસીની માહિતી આપી હતી.
એશિયન સિંહોનું એક માત્ર વતન એવા સાસણ ગીર ખાતે આજરોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં રાષ્ટ્રીય કક્ષાના વિશ્વ વન્ય જીવન ઉજવણીનું આયોજન કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ અને રાજય સરકારના સંયુકત ઉપક્રમે ઇશલ ઈફતિં: ઙયિમફજ્ઞિંતિ ઞક્ષમયિ ઝવયિફિ વિષયક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારનું ઉદઘાટન રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી ડો. હર્ષવર્ધનની ઉપસ્થિતીમાં મંગલ દિપ પ્રગટાવીને સેમીનારને ખુલ્લો મુકયો હતો.
કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી ડો. હર્ષવર્ધને સેમીનારના અધ્યક્ષ સ્થાનેથી વિશ્વ વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણી નિમિત્તે સિંહ પ્રેમી વડાપ્રધાન નરેન્દ્રભાઇમોદીના વર્ષ ૨૦૨૨ માં નયા ભારતના સ્વપ્નને સાકાર કરવા દેશના નાગરીકો ગ્રીન સૈનિકો બનવા આહવાન કર્યું હતું.
મંત્રી ડો. હર્ષવર્ધને કેન્દ્રીય વન વિભાગની એપ્લીકેશન હર્ષવર્ધન નો ઉલ્લેખ કરીને કહયું કે આ એપથી લોકો એકપણ પૈસાનો ખર્ચ કર્યા વગર વન પર્યાવરણ જાગૃતિ અંગેના પ૦૦થી વધુ કામો કરી શકે છે. વન પર્યાવરણ પ્રેમીઓને ગ્રીન ગુડ ડીડનો અનુરોધ કરતા ડો. હર્ષવર્ધને વધુંમાં કહયું કે વાઇલ્ડ લાઇફ પ્રોટેકશનનું સાયન્સ અને ટેકનોલોજી સાથે જોડાણ કરી લુપ્ત થતી જતી પ્રજાતીઓના સંવર્ધન માટે જુઓલોજી સર્વેલન્સ ઓફ ઇન્ડીયાની પણ સહભાગિતા વધારાશે.
ડો. હર્ષવર્ધને ગીરમાં સિંહ અને લોકોના તાદાત્મયના અસાધારણ અનુકળતાને બીરદાવ્યું હતું.
ગ્રીન સ્કીલ મિશનમાં ગુજરાત સરકારના ફાળાને વધારતાં કેન્દ્રીય મંત્રીએ ગીરમાં સિંહનો વધતો જતો વિસ્તાર,સિંહ સંવર્ધનમાં સ્થાનિક માલધારીઓનો સહયોગ, રાજય સરકારના પ્રોજેકટ લાયનને આવકાર્યો હતો.
મંત્રીએ પર્યાવરણ અને પ્રકૃતિની જાળવણીમાં ભારત વિશ્વગુરૂ બનવા જઇ રહયું છે તેમ જણાવી આગામી તા. પ મી જુન ર૦૧૮ના રોજ યુનાઇટેડ નેશન્શ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતમાં ભારતમાં કરાશે. મંત્રીએ પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડવા પણ અનુરોધ કર્યો હતો.
સેમિનારમાં વનવિભાગ મંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રાસંગિક ઉદબોધનમાં ગીર અભ્યારણ્યના વિકાસમાં રૂા.૧૫ કરોડના નવા પ્રકલ્પોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગીરમાં છેલ્લા દસ વર્ષમાં સિંહની વસ્તીમાં ૪૬ ટકાનો વધારો થયો છે. ગીર અને સૌરાષ્ટ્રના વધેલા વન વિસ્તારમાં આજે પ૨૩ થી વધુ સિંહની ગર્જના સંભળાય છે. તે અંગે ગૌરવની લાગણી વ્યકત કરી હતી.
કેન્દ્ર સરકારના વન વિભાગના ડાયરેકટર જનરલ ઓફ ફોરેસ્ટના સિધ્ધાંત દાસે કહ્યું કે, વન્ય જીવોની જાળવણી આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. દેશ માં લુપ્ત થતાં જતાં વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે કેન્દ્ર સરકારે સફળ પ્રયાસો કર્યા છે. ગુજરાતમાં સિંહની સંખ્યા સરકાર અને લોકોના સહકારથી વધી રહી છે, તે અંગે આનંદની લાગણી વ્યકત કરી હતી.
આ સેમીનારમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સમારોહના અધ્યક્ષ ડો. હર્ષવર્ધન તેમજ મહાનુભાવઓ એ સિંહ સદન સાસણ ખાતે વન વિભાગ દ્વારા આયોજિત પ્રદર્શનની મુલાકાત લઇ વિસ્તૃત જાણકારી મેળવી હતી.