કુછ દિન તો ગુજારીએ…
કેવડીયા-અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ સુધીની દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો પ્રારંભ : સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ અને ૪ નવા પ્રોજેકટના શિલાન્યાસ કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું છે. જ્યાં તેઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેઓના હસ્તે બે દિગ્સ દરમિયાન વિવિધ વિકાસકામોના લોકાર્પણ થનાર છે. તેઓ ગાંધીનગર, અમદાવાદ અને કેવડિયાની મુલાકાત લેનાર છે.
પ્રધાનમંત્રીના આજે કેવડિયા ખાતે આગમન બાદ સૌથી ઝડપભેર પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરશે. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની ૪૦ મિનીટની રાઈડમાં બેસતા પહેલાં પીએમ મોદી અન્ય ૯ પ્રોજેક્ટ્સના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે. જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), નેવિગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેકટનો સમાવેશ થાય છે.
પીએમ મોદી ૪ નવા પ્રોજેકટ એટલે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, જછઙ ક્વાટર્સ તથા કેવડિયાની આજુબાજુ પાંચ ગામોના અસરગ્રસ્તોને વસાવવા માટે તમામ પાયાની સુવિધાઓ સાથેની ૪૦૦ મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાયન્સ પણ કરશે. કેવડિયા હવે એક અબજ લાઈટોથી ઝળહળી રહ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના લગભગ ૨૫ ચો.કિ.મી. વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલ ડેકોરેટિવ લાઈટીંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઈન કરાયેલ ડેકોરેટિવ લાઈટીંગનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે
કાલે તા. ૩૧ ઓક્ટોબર, ર૦ર૦ના રોજ સવારે રાષ્ટ્રીય એક્તા પરેડમાં ઉપસ્થિત થતા અગાઉ તેઓ આરોગ્ય વનની મુલાકાત લેશે. આરોગ્ય વન એ વિશિષ્ટ પ્રકારનું ગાર્ડન છે. જેમાં માનવ શરીર અને ચેતનાનું સાતત્ય જળવાઈ રહે તે પ્રકારની ખાસ ડિઝાઈન કરવામાં આવેલી છે. તેમજ દેશમાં સૌ પ્રથમ એવા સી-પ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદ પ્રસ્થાન કરવા માટેના તળાવ નં.૩ના વોટર ડ્રોમનું ઉદ્ઘાટન સરદાર પટેલ જન્મજ્યંતીએ કરશે.
પીએમ મોદી કેવડિયા જતા પૂર્વે રાયસણમાં માતા હીરા બાના આશિર્વાદ લેવા માટે પણ જઈ શકે છે. વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪પમી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ભાવાંજલિ આપશે. અને રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે. આ સાથે જ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ પણ કરશે.
પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ દરમિયાન તેઓ ૪ નવા પ્રોજેકટના શિલાન્યાસ કરશે. આ ઉપરાંત તેઓ કેવડીયા-અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ સુધીની દેશની પ્રથમ સીપ્લેન સેવાનો પ્રારંભ કરાવશે.
કેશુભાઈ પટેલ અને કનોડિયાના પરિવારને વડાપ્રધાને પાઠવી સાંત્વના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અહીં તેઓએ કેશુબાપાના નિવાસ સ્થાને પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેઓના પરિવારને સાંત્વના પાઠવી હતી. આ સાથે તેઓએ કનોડિયા બંધુના નિવાસસ્થાને પહોંચીને તેઓના પરીવારને પણ સાંત્વના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે મહેશ અને નરેશ કનોડિયાના નિવાસ્થાને જવાનો કાર્યક્રમ અંતિમ ઘડીએ નક્કી કરવામાં આવ્યો હતો.