• વડાપ્રધાનએ અમરેલીના દુધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરી ગુજરાતમાં જન ભાગીદારી થી જળસંચયના પ્રોજેક્ટને વેગ આપ્યો
  • નવા વિકાસ પ્રોજેક્ટ લોક જીવનને આસાન બનાવીને વિકાસને નવી ગતિ આપશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
  • -: અમરેલીમાં વડાપ્રધાનનું પ્રેરક જન સંબોધન :-
  • – મંગલ કાર્યોના સમયે સંસ્કૃતિ ઉત્સવ સાથે વિકાસનો ઉત્સવ આ ભારતની નવી તાસીર છે
  • -દુનિયામાં આજે ભારતના સામર્થ્ય ની ચર્ચા: અનેક દેશો ભારતમાં વધુ રોકાણ કરવા આતુર: ગુજરાતમાં નવા વિકાસ પ્રોજેક્ટથી પ્રવાસન અને લઘુ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રે રોજગારીના અવસરો મળશે
  • -વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનો પુરુષાર્થ ઉદાહરણ રૂપે ઉભો છે
  • -“રે પંખીડા સુખેથી ચણજો” કવિ કલાપીની આ સાહિત્ય વિરાસતને સાકાર કરતા ભારતમાતા સરોવર જેવા તળાવો થકી પક્ષીઓ વધુ આનંદિત થશે
  • -લોથલ દુનિયાના પ્રવાસનમાં ચમકશે: રાજકોટ-મોરબી-જામનગરનો ત્રિકોણ મીની જાપાન બનવા તરફ આગળ ધપે છે: પોરબંદરના કર્લી સરોવરના વિકાસથી સોમનાથ થી દ્વારકા સુધી પ્રવાસનને વેગ મળશે
  • -અમરેલી સહિત ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન : પ્રથમ નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી ગુજરાતમાં બની છે
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • – વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં પર્યાવરણથી પ્રવાસન અને જળથી જનશક્તિના સમૂચિત સમન્વયથી ગુજરાતે અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે
  • – પડકારો વચ્ચે ગુજરાતે વિકાસનો એક સુરેખ પથ આલેખ્યો છે.
  • – જળસિંચન-જળસંચય-કૃષિ અભિયાનો થકી આજે ગુજરાતે કૃષિ વિકાસ ક્ષેત્રે આગવો પંથ કંડાર્યો છે
  • અમરેલી તા.28 ઓક્ટોબર 2024 (સોમવાર):

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતેથી ધનતેરસની પૂર્વસંધ્યાએ રૂપિયા 4800 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યું હતું કે, નવા વિકાસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે.       પરમેશ્વરની પ્રસાદી સમાન પાણી માટે પુરુષાર્થ કરનારા ગુજરાતના સામર્થ્યને પ્રેરણા રૂપ બતાવી વડાપ્રધાનએ સ્પષ્ટ કહ્યું કે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમના મંત્ર સાથે ગુજરાત સરકારના જન ભાગદારીના આયામોથી ખેડૂતો સમૃદ્ધ થવાની સાથે પ્રવાસન વિકાસ અને રોજગારીનું પણ સર્જન થશે.

વડાપ્રધાનએ અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામે ગાગડીઓ નદીને પુનઃજીવીત તથા તળાવોનું નિર્માણ કરીને સરકારના જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યો કરનાર ધોળકિયા ફાઉન્ડેશનની કામગીરીની નોંધ લીધી હતી.

વડાપ્રધાને આ સંદર્ભમાં ગુજરાતના પાણી માટેના પુરુષાર્થને યાદ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતે ભૂતકાળમાં પાણી માટે સંઘર્ષ કર્યો છે, પણ આજે નર્મદા માતા ગુજરાતની પરિક્રમા કરીને ગુજરાતને સમૃદ્ધ કરી રહી છે. આ સાથે પુણ્ય અને પાણી વહેંચી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌની યોજનાના સંદર્ભમાં કહ્યું કે, ત્યારે કોઈ માનવા તૈયાર ન હતું કે આ રીતે સૌરાષ્ટ્રના ડેમો નર્મદાના પાણીથી ભરાશે. આજે આ યોજના સાકાર થઈ છે અને પ્રદેશ લીલોછમ બન્યો છે, ત્યારે પવિત્ર ભાવથી કરેલો સંકલ્પ સિદ્ધ થાય છે તેનો આનંદ મળે છે.

વડાપ્રધાને આ તકે વરસાદના પાણીનો સંગ્રહ કરવા અને નદી ઉપર નાના-નાના તળાવો બનાવીને પાણીનો સંગ્રહ કરીને “વન ડ્રોપ, મોર ક્રોપ“નો આપણો સંકલ્પ સિદ્ધ કરવા પણ આહવાન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદીએ ગુજરાતના વિકાસમાં અને આગવી ઓળખમાં અમરેલી જિલ્લાના સામાજિક દાયિત્વ અને સેવાના સંદર્ભમાં યોગીજી મહારાજની માંડીને ભોજા ભગત, દુલાભાયા કાગ, કવિ કલાપી, કે.લાલ, રમેશ પારેખ, સહિતના મહાનુભાવને યાદ કરીને પદ્મશ્રી સવજી ધોળકિયા અને ગોવિંદભાઈ ધોળકિયા સહિત અમરેલી જિલ્લાના રત્નોની સામાજિક સેવાને પ્રેરણાદાયી ગણાવી હતી.

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મિશનમોડમાં કામ કરી રહ્યાં છે. પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અમરેલી પ્રગતિશીલ છે, એમ જણાવતાં વડાપ્રધાનએ કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની અલગ યુનિવર્સિટી હાલોલમાં શરૂ થઈ છે અને તેની સાથે જોડાયેલી પ્રાકૃતિક કૃષિની પ્રથમ કોલેજ અમરેલીને મળી છે. અમરેલીની સહકાર ક્રાંતિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, વર્ષ 2007માં અમર ડેરીની શરૂઆત વખતે 25 ગામોમાં સહકારી સમિતિ હતી. આજે 700થી વધુ ગામોની સહકારી સમિતિ ડેરી સાથે જોડાયેલી છે અને દરરોજ સવા લાખ લિટર દૂધ ભરાય છે.

શ્વેત તથા હરિત ક્રાંતિ સાથે આપણે સ્વીટ રિવોલ્યૂશન શરૂ કર્યું હતું. ખેતરોમાં મધ ઉત્પાદન માટેના પ્રોજેક્ટ થકી આજે અમરેલી જિલ્લાના ખેડૂતો ખેતરમાં મધમાખી પાલન કરીને મધ ઉત્પાદન કરીને વધારાની આવક મેળવી રહ્યાં છે. આ સાથે જ અમરેલીના મધની આગવી ઓળખ ઊભી થઈ છે.

પર્યાવરણના ક્ષેત્રે મોટાકામો અનિવાર્ય ગણાવતાં તેમણે કહ્યું હતું કે, “એક પેડ માઁ કે નામ” અભિયાનનો ઉલ્લેખ કરીએ ત્યારે વિશ્વના લોકોની આંખોમાં એક ચમક આવી જાય છે. પી.એમ. સૂર્યઘર મફત વીજળી યોજના થકી સામાન્ય પરિવારો વર્ષે વીજબીલના રૂ.25-30 હજાર બચાવી શકે અને વીજળી વેચીને કમાણી પણ કરી શકે તેવું મોટું અભિયાન આપણે ઉપાડ્યું છે, એમ જણાવતા વડાપ્રધાનએ કહ્યું હતું કે, આ યોજના માટે દેશભરમાં દોઢ કરોડ લોકોએ નોંધણી કરાવી છે. જ્યારે ગુજરાતમાં બે લાખથી વધુ ઘરમાં સોલર પેનલ લાગી પણ ગઈ છે.

ઊર્જાક્ષેત્રે અમરેલી અવ્વલ હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, સાંસદ ગોવિંદ ધોળકિયાએ દૂધાળા ગામને સોલાર ગામ બનાવવા માટેનું અભિયાન શરૂ કર્યું છે. જેનાથી ગામલોકોના વીજબીલના નાણાં બચશે. દૂધાળા હવે દેશનું પ્રથમ સોલાર વિલેજ બનવા જઈ રહ્યું છે.

પાણી અને પ્રવાસનનો સીધો સંબંધ છે. આ વાતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનએ કહ્યું હતું કે, અમરેલી જળસમૃદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાયાવર પક્ષીઓને અહીં નવું સરનામું મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આપણે સરદાર સરોવર બનાવ્યા પછી સરદાર વલ્લભ પટેલનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ મૂકીને આ સ્થળની મૂલ્યવૃદ્ધિ કરી છે. ગત વર્ષે 50 લાખ લોકોએ સરદાર સાહેબના દર્શન કર્યાં છે. 31મી ઓક્ટોબરે સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે રાષ્ટ્રીય એકતા દોડ યોજાય છે પરંતુ આ વર્ષે દિવાળી હોવાથી એકતા દોડ 29મી ઓક્ટોબરે યોજાશે.

પોરબંદર જિલ્લાના મોકરસાગર ખાતે કર્લી રિચાર્જ સરોવરને વિશ્વસ્તરીય સસ્ટેનેબલ  ઈકોટૂરિઝમ તરીકે વિકસાવવામાં આવશે. તેનાથી ઈકોટૂરિઝમને વેગ મળશે તથા ત્યાં એડવેન્ચર ટૂરિઝમની પણ અપાર સંભાવનાઓ છે. અહીં બર્ડ સેન્ચ્યુરી પણ ઊભી થશે.

બ્લૂ રિવોલ્યૂશનને વેગ આપવા સાથે આપણે પોર્ટ લેડ ડેવલપમેન્ટને વેગ આપી રહ્યાં છીએ. ભૂતકાળમાં જે દરિયાકિનારો ખારોપાટ ગણાતો, તેને સમૃદ્ધિના દ્વાર બનાવવા પ્રાથમિકતા આપીને કામ કરી રહ્યાં છીએ. આપણા ગુજરાતના બંદરોને દેશના અન્ય બંદરો સાથે જોડી રહ્યાં છીએ, ઉપરાંત ભારતના ઐતિહાસિક બંદરને દુનિયાના પ્રવાસનના નકશા પર મૂકવા, લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ – વિશ્વ કક્ષાનું મ્યૂઝિયમ બનાવાઈ રહ્યું છે. જાફરાબાદ તથા શિયાળબેટ વિસ્તારમાં સારામાં સારી માળખાકીય સુવિધા વિકસાવવામાં આવી રહી છે.

ઘોઘા રો-રો ફેરી સર્વિસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, તેના થકી સાત લાખ લોકોએ મુસાફરી કરી છે. પંચોતેર હજારથી વધુ ટ્રકો, એક લાખથી વધુ વાહનોનું પરિવહન થયું છે. જેના કારણે નાણાં, કલાકોની બચત થઈ છે. તેમજ પર્યાવરણને પણ ફાયદો થયો છે.

જામનગર, મોરબી તથા રાજકોટ એક એવો ત્રિકોણ છે. જેનામાં મેન્યુફેક્ચરિંગ હબ બનવાની ક્ષમતા છે. આ ત્રિકોણ આજે મીની જાપાન થવાની તાકાત ધરાવે છે.

એરોસ્પેસ એન્જિનિયરિંગ ક્ષેત્રે સ્પેન ભારતમાં મોટું રોકાણ કરી રહ્યું છે, ત્યારે તેનાથી ગુજરાત તથા રાજકોટના ઉદ્યોગોને મોટો લાભ થશે. સૌરાષ્ટ્રના લઘુઉદ્યોગોની તો પાંચે’ય આંગળીઓ ઘીમાં છે. તેમણે કહ્યું હતું કે, ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત એ જ આપણો સંકલ્પ છે. આજે દુનિયામાં ભારતનું ગૌરવ વધ્યું છે. દુનિયાના લોકોને ભારતના લોકોની ક્ષમતાનો પરિચય થવા લાગ્યો છે. જેમાં ગુજરાતની ભૂમિકા ખૂબ મહત્વની છે. દેશના શહેરો અને ગામડાઓમાં કેટલું સામર્થ્ય છે, તે ગુજરાતે બતાવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતે પર્યાવરણ થી પ્રવાસન અને જળ થી જનશક્તિના સમૂચિત સમન્વયથી અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. જેના મૂળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને દેશના વિકાસ માટેની ઝંખના છે.

મુખ્યમંત્રીએ દિવાળીના પાવન દિવસોમાં સૌરાષ્ટ્રની જનતાને રૂ.4800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપવા માટે આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, એક સમયે અભાવોનો સામનો કરતું ગુજરાત રાજ્ય આજે વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં પૂરપાટ ઝડપે વિકાસ પથ પર આગળ વધી રહ્યું છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, 1960થી શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રા અને અત્યારની ગુજરાતની વિકાસયાત્રાની તુલના કરીએ તો સ્પષ્ટપણે જણાઈ આવે કે, એક સુરેખ અને દ્રષ્ટિવંત નેતૃત્વથી કેવું પરિવર્તન આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પરિવર્તન લાવવા માટે કરેલો પરિશ્રમ આજે રંગ લાવી રહ્યો છે.

ભૂકંપ, વીજળીની અછત જેવા અનેક પડકારો સામે ઝઝૂમી રહેલા ખેડૂતો ખેતી માટે વરસાદ પર આધારિત હતાં. ખેડૂતોએ વારંવાર દુકાળનો સામનો કરવો પડતો હતો ત્યારે વડાપ્રધાનએ જ્યોતિગ્રામ યોજના દ્વારા થ્રી-ફેઝ વિજળી ગુજરાતના ગામે-ગામ પહોંચાડીને ગુજરાતના અંધારા ઉલેચીને અજવાળા પાથર્યાં છે. ખેડૂતોના પાકને વરસાદના અભાવે નિષ્ફળ જતા બચાવ્યા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતે સૌર ઊર્જાના લાભ અને ભવિષ્ય પારખીને વડાપ્રધાનના દૂરંદેશી ભર્યા નેતૃત્વ હેઠળ ચારણકા ખાતે સોલારપાર્કની સ્થાપના કરી છે. કચ્છ ખાતે હાઈબ્રીડ સોલાર પાર્ક સ્થાપિત થઈ રહ્યો છે. સૂર્યઘર યોજનાનો લાભ આજે કરોડો લોકોના ઘર સુધી પહોંચ્યો છે. આ બધાની પાછળ વડાપ્રધાનનું વિઝન છે.

વડાપ્રધાનએ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે આપેલા માર્ગદર્શન થકી થયેલા પરિવર્તન વિશે વિગતવાર વાત કરતાં તેમણે જણાવ્યું કે વરસાદી પાણીના ટીપે-ટીપાનો ઉપયોગ કરતાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવા વડાપ્રધાનએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે બોરીબંધ, ખેત તલાવડી, સૌની યોજના, સુજલામ્-સુફલામ્ જેવા અભિયાનો જનભાગીદારીથી કાર્યાન્વિત કર્યા હતાં. જેના કારણે આજે ગુજરાતના ખેતરો હરિયાળીથી લહેરાઈ રહ્યાં છે. કૃષિ મહોત્સવ,  સોઈલ હેલ્થકાર્ડ સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને કૃષિ કલ્યાણના અભિગમના કારણે આજે ગુજરાતમાં 105 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થઈ રહ્યું છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વિશ્વમાં જળવાયુ પરિવર્તનની અસરોની ગંભીરતા પારખીને તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાનએ એશિયામાં સૌ પ્રથમવાર જળવાયુ પરિવર્તનનો અલાયદો વિભાગ સ્થાપિત કર્યો હતો.

ઈ-ગ્રામ, વિશ્વગ્રામ દ્વારા ઉત્તમ ઈ-સેવા સુવિધાઓનું માળખું સર્જવાનું કાર્ય વડાપ્રધાનએ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તરીકે કર્યું હતું. ટેક્નોલોજીના વિનિયોગ દ્વારા જનફરિયાદ નિવારણની ‘સ્વાગત’ પહેલ પણ તેમણે જ આપેલી એક ભેટ છે.

રોડ-નેટવર્ક, માળખાગત સુવિધા, ઈન્ટરનેટ કનેક્ટિવિટી દ્વારા પારદર્શક સુશાસનનું રોલમોડલ ગુજરાતે રજૂ કર્યું છે. આમ સમગ્રતયા જળસિંચન, બિન પરંપરાગત ઉર્જાસ્ત્રોતો દ્વારા વીજઉત્પાદન થકી વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત આવા અનેક વિકાસકાર્યો થકી વિકસિત ભારતના નિર્માણમાં  પોતાનો સહયોગ આપશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આ તકે જણાવ્યું કે, ગુજરાતે જળસંચય અને જળવ્યવસ્થાપન ક્ષેત્રે આગવો રાહ કંડાર્યો છે.  જળસંચય ક્ષેત્રે ગુજરાતને તાજેતરમાં જ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ સિંચાઈ માટે નર્મદાના પૂરના દરિયામાં વહી જતાં વધારાના જળને “સૌની યોજના” દ્વારા  સૌરાષ્ટ્રમાં અવતરણ કરાવ્યું છે. જેને કારણે સૌરાષ્ટ્રની ધરા નવપલ્લવિત થઈ છે.

રાજ્ય સરકારે જળસંચય ક્ષેત્રે લાઠી અને લીલીયા તાલુકામાં જળસંગ્રહની કામગીરી આગળ વધારવા માટે પીપીપી મોડ હેઠળ ગાગડિયો નદીને સાફ કરવા માટે રૂ.20 કરોડની ગ્રાન્ટની પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

નાવડા-ચાવંડ પાઈપલાઈન દ્વારા રાજકોટ અને ભાવનગરના નર્મદાના અને મહીના પાણી ઉપલબ્ધ બન્યાં છે. સૌરાષ્ટ્રની તરસી ધરા આ પાણીથી તૃપ્ત થઈ છે. પશુપાલકોની હિજરત પણ આ પાણીના કારણે અટકી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

જળસંચયના પવિત્ર સંકલ્પ અને ઉદ્યમ થકી આ પ્રદેશને નવપલ્લવિત કરનાર સવજી ધોળકિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આજે દુધાળા-લાઠીની ધરતી પર સોનાનો સૂરજ ઉગ્યો છે. વડાપ્રધાનએ થોડા વર્ષો પહેલા “હરિકૃષ્ણ સરોવર”નું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું અને આજે ત્યાં ભારતમાતા સરોવર નિર્માણ પામ્યું છે. જિલ્લામાં ત્યારથી લઈને અત્યાર સુધી 155 સરોવરનું નિર્માણ થયું છે. જળસંચય અને પ્રાકૃતિક ખેતી દ્વારા ગુજરાત વિકાસના પંથે ઝડપભેર પ્રગતિ કરી રહ્યું છે.

આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, પ્રવાસન મંત્રી મૂળુ બેરા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, સાંસદ સર્વ પરસોત્તમ રૂપાલા, ભરત સુતરિયા, રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા, રામ મોકરિયા, પૂનમબહેન માડમ, કેસરીદેવસિંહ ઝાલા, ઈફકોના ચેરમેન દિલિપ સંઘાણી, ધારાસભ્ય સર્વ જે.વી.કાકડિયા, કૌશિક વેકરિયા, જનક તળાવિયા, મહેશકસવાલા, હિરા સોલંકી, ડૉ.દર્શિતા શાહ તેમજ બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખઓ, મહાનુભાવો, પદાધિકારીઓ-અધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.