- જામનગર અને રાજકોટમાં ભવ્ય રોડ -શો, અબજો રૂપીયાના વિકાસ કામોનું કરશે લોકાર્પણ – ખાતમૂહૂર્ત
- દ્વારકામાં સિગ્નેચરબ્રિજ અને રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલને ખુલ્લી મુકશે
ગુજરાતની મૂલાકાત દરમિયાન ગઈકાલે ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 57 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમૂહૂર્ત કયુર્ં હતુ. દરમિયાન આવતીકાલ સાંજથી ફરી પીએમ માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જામનગરમાં રાત્રિ રોકાણ કરશે દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લાની મૂલાકાત લેશે. અબજો રૂપીયાના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમૂહૂર્ત કરવામાં આવશે. દ્વારકાનો સિગ્નેચરબ્રિજ અને રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલનું પ્રજાર્પણ કરવામાં આવશે.
આવતીકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જામનગર ખાતે આગમન થશે તેઓ જામનગરમાં વિશાળ રોડ-શો યોજાશે રાત્રિ રોકાણ પણ છોટી કાશીમાંજ કરશે.આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગરના સર્કિટ હાઉસ માં રાત્રી રોકાણ કરશે, ત્યારે તેેના આગમનને પગલે લાલબંગલા સ્થિત સરકારી સંકુલોને ઝળહળતી રોશની થી સજાવી દેવામાં આવ્યા છે.સર્કિટ હાઉસ, ઉપરાંત અદાલત પરિસર, જામનગર મહાનગરપાલિકાની કચેરી, પીજીવીસીએલ ની કચેરી, તથા જિલ્લા પંચાયત કચેરી અને સર્કલ, હોમગાર્ડ કચેરી સહિતના સંકુલોમાં ઝળહળતી રોશની ગોઠવી દેવાઇ છે, અને દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
સાથોસાથ જામનગરના દિગ્જામ સર્કલથી લાલ બંગલા સર્કલ સુધીના માર્ગ પર રોડની વચ્ચે રંગબેરંગી સીરિઝ ગોઠવી દેવાઇ છે, તેમજ રોડની બંને તરફના ઝાડમાં ગ્રીન કલરની હેલોજન લાઇટ ગોઠવી દેવાઇ છે. જેથી અનન્ય નઝારો જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગર જિલ્લાના પ્રવાસે આવવાના હોય શહેરના ટાઉન હોલથી સાત રસ્તા સર્કલ સુધીના રૂટ પર કોઈ પણ જાતની અડચણ ઉભી ન થાય તે માટે તમામ પ્રકારના વાહનો માટે તા. 24 અને 25 ફેબ્રુઆરી ના રોજ રસ્તો બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
ટ્રાફીક જામની સ્થિતિ નિવારવા, ટ્રાફીકને વૈકલ્પીક રસ્તાઓ પર વાળવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા મહાનુભાવની સલામતીની દ્રષ્ટિએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા તમામ પ્રકારના વાહનો માટે તા.24/02/2024 ના રોજ 15:00 કલાકથી તા.25/2/24 ના રોજ 09:00 કલાક સુધી ટાઉન હોલથી સાત રસ્તા સર્કલ સુધીના બંને સાઈડના રોડ પર પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.આ માર્ગના વૈકલ્પિક રૂટ તરીકે વાહનચાલકોએ સાત રસ્તા સર્કલથી લઈ એસ.ટી. બસ સ્ટેન્ડ તરફનો રૂટ તથા ટાઉન હોલ-તીનબતી- અંબર સર્કલ તરફનો રૂટ ઉપયોગમાં લેવાનો રહેશે.
ગુજરાત પ્રવાસના બીજા દિવસે રવિવારે વડાપ્રધાન વહેલી સવારે 6.40 કલાકે જામનગરથી બેટ દ્વારકા ખાતે આવશે. બેટ દ્વારકા મંદિરમાં પીએમ દ્વારા પુજા અર્ચના કરવામાં આવશે. સિગ્નેચર બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવશે. અને તેનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ તેઓનું દ્વારકા ખાતે આગમન થશે દ્વારકા મંદિરમાં દર્શન અને પુજા કરી વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરી જાહેરસભાને સંબોધશે બપોરે 3.20 કલાકે રાજકોટ એઈમ્સ ખાતે આગમન થશે તેઓ એઈમ્સનું નિરિક્ષણ કરશે.
હેલીકોપ્ટર મારફત પ્રધાન મંત્રી રાજકોટના જૂના એરપોર્ટ ખાતે આગમન થશે જુના એરપોર્ટથી રેસકોર્ષ મેદાન ખાતે જાહેરસભા સ્થળ સુધી રોડ-શો યોજાશે જયાં વિકાસ કામોનું લોકાર્પણ અને લોકાર્પણ કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસને લઈ સજજડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ શરૂ થયો છે.
રાજકોટના તમામ વિસ્તારો “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા પધારી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે મહાનુભવો અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઇને આજથી 25 ફેબ્રુઆરી સુધી શહેરના તમામ વિસ્તારોને “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કર્યા છે. આ સમય દરમિયાન રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, હેંગગ્લાઇડર / પેરાગ્લાઇડર, પેરામોટર, હોટ એર બલૂન, પેરા જમ્પીંગ ચલાવવાની મનાઇ જાહેર કરાઈ છે.આ હુકમો પોલીસ વિભાગ અને સુરક્ષાબળો તેમજ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનને લાગુ પડશે નહીં. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.