સૌરાષ્ટ્રમાં ૩, ઉત્તર ગુજરાતમાં ૩, મધ્ય ગુજરાતમાં ૨ અને આદિવાસી વિસ્તારમાં વડાપ્રધાનની ૨ સભાઓ યોજવાનો ગોઠવાતો તખ્તો
વર્ષ ૨૦૧૪માં યોજાયેલી ૧૬મી લોકસભાની ચુંટણીમાં ભાજપે ઈતિહાસ સર્જતા રાજયની તમામ ૨૬ બેઠકો પર તોતીંગ લીડ સાથે જીત હાંસલ કરી હતી. ૨૦૧૯ની ચુંટણીમાં પણ આવું ઐતિહાસિક પરીણામ લાવવા માટે ભાજપે કમરકસી છે. આગામી ૨૩મી એપ્રીલના રોજ રાજયની ૨૬ બેઠકો માટે મતદાન યોજાવાનું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ૧૦ જેટલી ચુંટણીસભાઓ સંબોધે તેવી સંભાવના જણાઈ રહી છે.
૧૦મી એપ્રિલથી આણંદ ખાતેથી ચુંટણીસભા સંબોધી રાજયમાં વડાપ્રધાન ચુંટણીપ્રચારના શ્રીગણેશ કરશે. આગામી ૧૦મી એપ્રીલના રોજ આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે ચુંટણીસભા સંબોધશે. સૌરાષ્ટ્રમાં ૩, ઉતર ગુજરાતમાં ૩, મધ્ય ગુજરાતમાં ૨ અને આદિવાસી વિસ્તારમાં વડાપ્રધાનની ૨ સભાનો તખ્તો ગોઠવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ અંગે આગામી દિવસોમાં સતાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. વડાપ્રધાન ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ પણ ગુજરાતમાં બે થી ત્રણ ચુંટણીસભાઓ અને રોડ-શો કરે તેવી સંભાવના પણ હાલ જણાઈ રહી છે.