- 29-30 સપ્ટેમ્બરે અમદાવાદ, સુરત, અંબાજી અને ભાવનગરથી 9 ઓક્ટોબરે મોડાસા, 10મી ઓક્ટોબરે ભરૂચ અને જામનગરમાં જ્યારે 11મીએ રાજકોટ જિલ્લાના જામ કંડોરણામાં જાહેર સભા ગજવશે: અબજો રૂપીયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ કાલે ગુજરાતની મુલાકાતે રાજકોટમાં જનપ્રતિનિધિઓના સંમેલનને સંબોધશે, મોરબીમાં રોડ-શો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ગુજરાતનો ગઢ ફતેહ કરવા માટે એડી-ચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવતીકાલે એક દિવસ માટે ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. તેઓ મંગળવારે બપોરે રાજકોટમાં રાજ્યભરના ચૂંટાયેલા પ્રતિનિધિઓના સંમેલનને સંબોધશે ત્યારબાદ મોરબી ખાતે એક વિશાળ રોડ-શો યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નવરાત્રિમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંકશે. 29 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધીમાં પીએમ અલગ-અલગ આઠ શહેરમાં અબજો રૂપીયાના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરશે અને જાહેર સભાઓને સંબોધશે.
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇ રાજકીય પક્ષો ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ પૂર્ણ બહુમત સાથે ચૂંટાઇ આવે છે. ફરી એક વખત ગુજરાતનો ગઢ ફતેહ કરવા ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી તથા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે કમાન પોતાના હાથમાં લઇ લીધી છે.
ચોથા નોરતાથી વડાપ્રધાન ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દેશે. પીએમ આગામી 29 અને 30મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ, સુરત, અંબાજી અને ભાવનગરની મુલાકાત લેશે. ચારેય શહેરોમાં રોડ-શો અને જાહેર સભા યોજે તેવી સંભાવના જણાય રહી છે. દરમિયાન તેઓ ફરી એક સપ્તાહ પછી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ધામા નાંખશે. 9 થી 11 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાત દરમિયાન સંભવત: 9મી ઓક્ટોબરના રોજ મોડાસાની મુલાકાત લઇ જાહેર સભા સંબોધશે ત્યારે 10મીના રોજ ભરૂચ અને જામનગર જિલ્લાની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 11મી ઓક્ટોબરના રોજ રાજકોટ જિલ્લાની મુલાકાત લેશે. તેઓ જામ કંડોરણા ખાતે જંગી જાહેર સભાને સંબોધશે. જેમાં એક લાખથી પણ વધુની મેદની એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
દરમિયાન ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ આગામી 27મી સપ્ટેમ્બર અર્થાત બીજા નોરતે માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની 150 બેડની હોસ્પિટલનું ખાત મુહુર્ત કરશે અને મોડ માણસાની મુલાકાત લઇ નવરાત્રિ મહોત્સવમાં સામેલ થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવતીકાલે ગુજરાતમાં ધામા નાંખશે. રાજકોટમાં સંમેલનને સંબોધશે અને મોરબીમાં રોડ-શો યોજાશે.