ગુજરાત ગૌરવયાત્રાના સમાપન વેળાએ ૭ લાખ પેઈઝ પ્રમુખનું વિશાળ સંમેલન: વડાપ્રધાન દ્વારકા, રાજકોટ અને ચોટીલામાં જાહેરસભા સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૭ અને ૮ ઓકટોબરના રોજ સૌરાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓના હસ્તે રાજકોટ નજીક હિરાસર ગામ પાસે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ખાતમુહૂર્ત કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ઓક્ટોબર માસના મધ્યભાગમાં કેન્દ્રીય ચૂંટણી પંચ જાહેર કરી શકે છે તેવા સંકેતોના પગલે હવે ભાજપ યોજિત ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાનારા સાત લાખ પેઇજ પ્રમુખોના ઐતિહાસિક સંમેલનને હવે પક્ષીય ધોરણે યોજવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ જાહેર કર્યા પ્રમાણે ૧૬ ઓક્ટોબરે વડાપ્રધાન આ સંમેલનને સંબોધનાર હતા, પરંતુ હવે આ કાર્યક્રમમાં આંશિક ફેરફાર થયો છે અને પીએમ મોદી ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં દેશમાં ક્યારેય ન યોજાયું હોય એવું ઐતિહાસિક પેઇજ પ્રમુખ મહાસંમેલન યોજવામાં આવનાર છે જેની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે. સંભવત: ૧૬ કે ૧૭ ઓક્ટોબરે ગાંધીનગર નજીકના વિશાળ ગ્રાઉન્ડમાં આ સંમેલન યોજાય તેવી શક્યતા છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશ તથા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારી કરી રહ્યું છે. બન્ને રાજ્યોના ચૂંટણી અધિકારી, વહીવટી તંત્ર તથા સુરક્ષા એજન્સીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે પંચ બન્ને રાજ્યો માટેના સંભવિત કાર્યક્રમોની ઘોષણા ઓક્ટોબરના મધ્યમાં કરી શકે છે. પંચની ઘોષણા સાથે આચારસંહિતાનો અમલ શરૂ થઇ જશે. આથી પેઇજ પ્રમુખો માટેનું સંમેલનએ પીએમ, અધ્યક્ષની ઉપસ્થિતિ સાથે વિધિવત ગુજરાતના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવા સમાન બની રહેશે. ૧૬ કે ૧૭ ઓક્ટોબર વચ્ચે ગમે ત્યારે પંચ ચૂંટણીઓની જાહેરાત કરી શકે છે અને એ જ સમયે આ સંમેલન યોજાશે. આને કારણે સંમેલનની પૂર્વઘોષિ તારીખમાં ફેરફાર કરાયો છે.
બીજી તરફ ચાલુ સપ્તાહના પ્રારંભમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દ્વારકાધીશના દર્શન કરી સૌરાષ્ટ્ર માટેનો ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો, હવે પીએમ મોદી તા.૭મીથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેતો બે દિવસના ભરચક કાર્યક્રમો સાથેનો પ્રવાસ ખેડનાર છે. પીએમના પ્રવાસ અંગેની પ્રાથમિક વિગતો મુજબ ૭મીએ સવારે ૧૦ વાગે નવી દિલ્હીથી સીધા જામનગર આવશે અને ત્યાંથી દ્વારકાધિશના દર્શન કરવા જશે. એજ દિવસે બપોરે તેઓ ચોટીલા પણ જવાના છે. દ્વારકા ખાતે પીએમ મોદી ઓખા-બેટ દ્વારકા વચ્ચે ફોરલેન કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્ત કરશે. અરબી સમુદ્રમાં રૂ.૯૬૨ કરોડના ખર્ચે ૩.૭૩ કિ.મી.નો આ બ્રિજ બનતા વર્ષે વીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓને હાલ દરિયામાં હોડી મારફતે બેટ દ્વારકા સુધી જવાની તકલીફમાંથી મુક્તિ મળશે.
૭મીએ બપોરે પીએમ મોદી રાજકોટ પહોંચશે અને ત્યાં હિરાસર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના રાજકોટ એરપોર્ટનું ખાતમુહૂર્ત કરશે અને જનસભાને પણ સંબોધશે. આ એરપોર્ટને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન ચોટીલામાં કેટલાક જનહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા સાથે જનસભાને સંબોધશે.