વલસાડ મુલાકાત બાદ સૌરાષ્ટ્ર મુલાકાતે આવે તેવી સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે,અગાઉ પીએમ મોદી ગત મહિને 21મી તારીખે ગુજરાત આવવાના હતા પણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે પોતાના પ્રવાસ રદ કર્યો હતો. હવે આગામી 23 ઓગસ્ટે ગુજરાતની મુલાકાત લેશે અને વલસાડમાં તૈયાર કરાયેલ બે લાખ આવાસો લાભાર્થીઓને આપશે.
ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડ, ધરમપુર, જૂનાગઢ અને ગાંધીનગરમાં યોજાનારા કાર્યક્રમોમાં હાજરી આપશે. ૨૦૧૯ માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર કબજો જમાવવા માટેની વ્યૂહરચનાના ભાગરૂપે હવે મોદીની ગુજરાતની મુલાકાતો વધે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, ૨૩ ઓગષ્ટ બાદ સપ્ટેમ્બરમાં તેમના જન્મદિવસે માતા હીરાબાને મળવા આવવાની પરંપરા જાળવવા આવશે અને ત્યાર બાદ ઓક્ટોબરમાં પણ ગુજરાત મુલાકાતે આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન વલસાડમાં ગરીબો માટે નિર્માણ થયેલા બે લાખ આવાસનું લોકર્પણ કરવા ઉપરાંત અન્ય એક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ લોકો માટે બનાવાયેલાં મકાનો લાભાર્થીઓને પ્રતીક રૂપે કબજા ફાળવશે.
ત્યારબાદ વડાપ્રધાન મોદી ધરમપુર જશે અને ધરમપુરમાં પણ પાણી પુરવઠા જૂથ યોજનાનું લોકાર્પણ પણ કરશે. દક્ષિણ ગુજરાતના કાર્યક્રમો પતાવીને મોદી સૌરાષ્ટ્ર જશે અને જૂનાગઢમાં મેડિકલ કોલેજનું ઊદઘાટન કરશે. આ ઉપરાંત મોદી એ જ દિવસે સાંજે ગાંધીનગર ખાતે યોજાનારા ફોરેન્સિક યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં પણ હાજરી આપી શકે છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં હાજરી અંગે પછી નિર્ણય લેનાર હોવાનું જાણવા મળ્યું છે.