વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમ હવે જાહેર થશે: ભાજપની જેમ જ કોંગ્રેસ અને આપ પણ પ્રચારમાં કોઈ કસર નહિ છોડે
વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ લોકોશાહીના તહેવારનો ઉત્સાહ બમણો થઈ ગયો છે. રાજકીય પાર્ટીઓ અને જે નેતાઓને જવાબદારી મળી ગઈ છે તેઓ પોતાના મત વિસ્તારમાં ફરતા થઈ ગયા છે. પ્રચારના ધમધમાટ વચ્ચે ભાજપના સુપરસ્ટાર પ્રચારક અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજ્યમાં માત્ર 15 દિવસમાં જ 40 જેટલી રેલીઓ ગજવવાના છે. બીજી તરફ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી ગુજરાતની ચૂંટણી મુદ્દે મૌન છે. રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને રેલીનું ટાઈમ-ટેબલ નક્કી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ ભાજપ દ્વારા ક્યારે ક્યાં કેટલી રેલી કરવાની છે તે તમામ તૈયાર કરી દીધી છે.
ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર સત્તામાં આવવા માટે ભાજપ દ્વારા વિવિધ તૈયારીઓ કરી નાખી છે, 160 ઉમેદવારોને ટિકિટ આપી દેવામાં આવી છે અને તેમના વિસ્તારમાં પ્રચાર માટેના વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. આજ રીતે આમ આદમી પાર્ટી દ્વારા પણ નાના પાયે સતત રેલીઓ અને લોકસંપર્કના કાર્યક્રમો આયોજવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 15 નવેમ્બરથી સભાઓ ગજવવાની શરુઆત કરશે અને માત્ર 15 દિવસમાં તેઓ 40 જેટલી રેલીઓ આખા રાજ્યમાં કરશે.સત્તા પક્ષના સૂત્રો તરફથી મળતી વિગતો પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં 12થી 15 દિવસ સુધી રેલીઓ કરશે. આ સિવાય અન્ય સ્ટાર પ્રચારકો પણ રાજ્યમાં ચૂંટણી સભાઓ ગજવશે, જેમાં પક્ષના કેન્દ્રીય નેતૃત્વ, ટીવી અને ફિલ્મ સાથે સંકળાયેલા જાણીતા ચહેરા અને રમત-ગમત સાથે સંકળાયેલા લોકો પણ જોડાશે.
હવે જે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવાની બાકી છે તે શનિવાર કે રવિવારે કરવામાં આવશે તેવું પાર્ટીના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કારણ કે પહેલા તબક્કાની ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે બેઠકો પર ભાજપની પક્કડ નબળી છે ત્યાં ઉમેદવારોને આકર્ષિત કરવા માટે મજબૂત કેમ્પેઈન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકોની યાદી તૈયારી કરીને પાર્ટીના નેતાઓને મોકલી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય નેતાઓ આ બેઠકો પર પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરવાના છે.જે બેઠકો અને વિસ્તારમાં ભાજપને તકલીફ પડી રહી છે તેની ઓળખ કરીને પાર્ટી દ્વારા જરુરી તૈયારી કરવામાં આવી છે.
ભાજપ અને આપ ગુજરાતના પ્રચારમાં કોઈ કસર છોડવા માગતા નથી, પરંતુ ગાંધી પરિવાર દ્વારા ચૂંટણી અંગે હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી. આ જોઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ ઊંચા નીચા થઈ રહ્યા છે.