21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ ડે તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન મોદી દેહરાદૂનના ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ એટલે કે FRI કેમ્પસમાં 60 હજાર લોકોની સાથે યોગ કરશે. જ્યાં યોગા કાર્યક્રમનું આયોજન કરાયું છે તે ફોરેસ્ટ ડિવિઝન અંતર્ગત આવે છે. ત્યારે વહિવટી તંત્રને ડર છે કે ત્યાં સાપ, દીપડા કે વાંદરા ન આવી જાય. DM એસ. એ. મૃરૂગેશને વન વિભાગને આદેશ આપ્યાં છે કે કાર્યક્રમ સ્થળ પર જોવા મળતા સાપ અને વાંદરાને પકડવામાં આવે.
ડીએમના આદેશ બાદ વન વિભાગની ટીમે કાર્યક્રમ સ્થળની સર્ચિંગ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટસ મુજબ વન વિભાગે બેથી ત્રણ સાપ પકડ્યા છે. પરંતુ એકપણ વાંદરાને પકડવામાં નથી આવ્યો.
ઉત્તરાખંડના પ્રમુખ વન સંરક્ષણ જયરાજના જણાવ્યા મુજબ કાર્યક્રમ સ્થળ પર વન વિભાગની બે ટીમ તૈનાત રહેશે. આંધી-તોફાન સમયે ઝાડ પડે છે તેને પણ તાત્કાલિક હટાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વાંદરાનો પણ આતંક રહે છે ત્યારે આવી કોઈ સ્થિતિ બને તો તાત્કાલિક તેનો મુકાબલો કરવા વન વિભાગના લોકો કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી ત્યાં જ તૈનાત રહેશે.