સુરક્ષા,આતંકવાદ સામેની લડાઈ, સ્થળાંતર અને માનવાધિકાર ઉપર 19 દેશોની બેઠક
અબતક, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જી-20 સમિટમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે. અફઘાનિસ્તાનના મુદ્દે યોજાનારી આ સમિટમાં યુદ્ધગ્રસ્ત દેશમાં માનવીય કટોકટીના પ્રતિભાવ અને આતંકવાદ સામેની લડાઈ પર મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ મોદી 12 ઓક્ટોબરે અફઘાનિસ્તાન પર જી -20 સમિટમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે. બેઠકના એજન્ડામાં માનવીય જરૂરિયાતોના પ્રતિભાવ અને યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રમાં મૂળભૂત સેવાઓ અને આજીવિકાની સફળતા પર ચર્ચાઓ સામેલ હશે. હકીકતમાં, આ વર્ષે ઓગસ્ટમાં તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. એમઇએએ કહ્યું કે એજન્ડામાં સુરક્ષા અને આતંકવાદ સામેની લડાઈ અને ગતિશીલતા, સ્થળાંતર અને માનવાધિકાર પરની વાતચીતનો પણ સમાવેશ થશે.
જી 20 વિશ્વની 19 અગ્રણી અર્થવ્યવસ્થાઓ અને યુરોપિયન યુનિયનને એકસાથે લાવવાનું કામ છે. જી 20માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, જર્મની, ફ્રાન્સ, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયનનો સમાવેશ થાય છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે જી-20 દેશોના વડાઓની વર્ચ્યુઅલ બેઠક મળવાની છે જેમાં જી-20ના પ્રમુખ ઇટાલીના આમંત્રણને સ્વીકારીને વડા પ્રધાન મોદી પણ હાજરી આપશે. વિશ્વના 20 પ્રમુખ દેશોના સંગઠન જી-20નું પ્રમુખ હાલમાં ઇટાલી છે. આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં માનવતાના ધોરણે મદદ, લોકોનું પલાયન રોકવું, અફઘાનિસ્તાનમાં પ્રાથમિક સુવિધાઓ અને જીવનધોરણ, સુરક્ષા જેવા મુદ્દાઓમાં મદદ, તેમ જ આતંકવાદ અને હિંસાચાર સામે પગલાં લેવા અને માનવાધિકાર જેવા મુદ્દાઓની ચર્ચા થશે.
બ્રિટનના આતંરરાષ્ટ્રીય યાત્રા માટેના દિશાનિર્દેશોને પગલે ઉભા થયેલા વિવાદનો ઉકેલ આવ્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસન સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. આ દરમિયાન બન્ને નેતાઓ સહમત પણ થયા હતાં કે બ્રિટન દ્વારા ભારતીય રસીકરણ પ્રમાણપત્રને માન્યતા આપવાનું પગલું આવકાર્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી બોરિસ જોનસન સાથે વાર્તાલાપ સારો રહ્યો. ભારત-યુકે એજન્ડા 2030માં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ચીની પ્રતિનિધિઓ સાથે કરશે મિટિંગ
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને જી 20 માટે ભારતના શેરપા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, ભારત 1 ડિસેમ્બર, 2022 થી જી 20 ગ્રુપિંગની અધ્યક્ષતા કરશે અને 2023 માં પ્રથમ વખત જી 20 નેતાઓના સમિટનું આયોજન કરશે.
શેરપા જી 20 સભ્ય દેશોના નેતાઓના પ્રતિનિધિ છે, જે સમિટના એજન્ડાનું સંકલન કરે છે અને સભ્ય દેશો સાથે આર્થિક, રાજકીય અને વૈશ્વિક ચર્ચાના એજન્ડા પર ચર્ચા કરે છે. આજની બેઠકમાં ટ્રેડ મિનિસ્ટર પિયુષ ગોયલ ચીની પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરવાના છે. આ સાથે તેઓ યુએસ, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બ્રાઝીલ અને કેનેડા સાથે પણ ચર્ચા કરવાના છે.