વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગુજરાત પ્રવાસના સમય પત્રકમાં વધુ એક વાર ફેરફાર થયો છે. પીએમ હવે ર7મી સપ્ટેમ્બરના બદલે ર6મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં આવી જશે તેઓ બુધવારે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગાંધી જયંતિના પાવન દિવસ માદરે વતનની મુલાકાતે આવવાના હતા તેઓ અમદાવાદમાં સાબરમતિ આશ્રમની મુલાકાત લેવાના હતા. પરંતુ પીએમઓ દ્વારા પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. બીજી ઓકટોબરના બદલે નરેન્દ્રભાઇ મોદી ર7 અને ર8 સપ્યેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે તેવી ઘોષણા કરવામાં આવી હતી. દરમિયાન હવે આ તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
પીએમઓ દ્વારા ફરી એકવાર વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરાયો
મંગળવારે સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન: રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે: બુધવારે ભરચકક કાર્યક્રમો
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગામી મંગળવારે સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અહી તેઓ નારી શકિત વંદન અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપશે. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાના વિધેયકને લાવવા બદલ મહિલાઓ દ્વારા પીએમને ફુલડે વધાવવામાં આવશે. મંગળવારે રાત્રિ રોકાણ નરેન્દ્રભાઇ રાજભવન ખાતે કરશે દરમિયાન ર7મી સપ્ટેમ્બર અર્થાત બુધવારે તેઓ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાનારા વાયબ્રન્ટ ગુજરાતના બે દાયકાની ઉજવણીમાં સામેલ થશે. ત્યાંથી તેઓ એરપોર્ટના ખાસ પ્લેનમાં વડોદરા જવા માટે રવાના થશે.
અહી વડોદરા એરપોર્ટ ખાતે પણ બુધવારે નારી શકિત વંદન અભિવાદન સમારોહ યોજાવાનો છે જેમાં પીએમ ખાસ હાજરી આપશે. વડોદરાની મહિલાઓ દ્વારા પીએમનું સવિશેષ સન્માન કરવામાં આવશે.
વડોદરા ખાતેથી વડાપ્રધાન છોટાઉદેપુરના બોડેલીમાં જશે જયારે કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વિવિધ સરકારી યોજનાના હજારો લાભાર્થીઓને સહાય અર્પણ કરશે અને એક જંગી જાહેર સભાને સંબોધશે આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ ફરી વડોદરા આવશે અને એરપોર્ટ ખાતેથી બુધવારે બપોરે 3.45 કલાકે દિલ્હી જવા રવાના થશે.
ગુજરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સાથે બેઠક યોજે તેવી શકયતા પણ જણાય રહી છે.