આટકોટમાં કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરી જાહેર સભાને સંબોધશે: સાંજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃધ્ધી’ સંમેલનમાં હાજરી આપશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે છ મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે સૌરાષ્ટ્રથી ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે. જસદણના આટકોટ ખાતે પટેલ સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને સાંજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃધ્ધી સંમેલનમાં ખાસ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતની મૂલાકાત પર છે.
આવતીકાલે શનિવારે 9 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થશે. રાજકોટથી તેઓ હેલીકોપ્ટર મારફત આટકોટ ખાતે જશે. વડાપ્રધાનના આગમનને લઇ આટકોટ ખાતે ત્રણ હેલીપેડ અને જસદણ ખાતે બે હેલીપેડ બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાનને આવકારવા માટે સૌરાષ્ટ્રવાસીઓમાં જબ્બરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આટકોટ ખાતે કે.ડી. પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં બે લાખથી વધુની મેદની ઉમટી પડે તેવો અંદાજ છે. પીએમના આગમનને લઇ પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આજે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. સવારે આટકોટ ખાતે હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન સાંજે ગાંધીનગરમાં સહકારએ સમૃધ્ધિ સંમેલનમાં હાજરી આપશે.
આટકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમમાં ત્રણ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયા, પુરૂષોત્તમભાઇ રૂપાલા, ડો.મહેન્દ્ર મુજપરા ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉપરાંત રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે.
ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હવે એક વૈશ્ર્વિક લીડર તરીકે ઉભરી રહ્યા છે. પીએમને વધાવવા માટે સૌરાષ્ટ્રવાસીઓમાં જબ્બરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીનો આવતીકાલનો ગુજરાતનો એક દિવસીય પ્રવાસ ભાજપ માટે એટલા માટે ખાસ માનવામાં આવી રહ્યો છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ખૂબજ ઓછો સમય બચ્યો છે આવામાં પી.એમ. આવતીકાલથી વિધિવત રીતે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફંકી દેશે તેવું માનવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે તાલુકા કક્ષાએ માત્ર 200 બેડની ક્ષમતાની હોસ્પિટલના લોકાર્પણ માટે વડાપ્રધાન આવતા હોતા નથી. પરંતુ જેરીતે નરેન્દ્રભાઈ મોદીએ આટકોટમાં હોસ્પિટલનાં લોકાર્પણનું આમંત્રણ સ્વીકારી લીધું તે સાબિત કરે છે કે હવે પી.એમ.નું ફોકસ હોમ સ્ટેટમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર છે. સૌરાષ્ટ્રનીવિધાનસભાની બાવન બેઠકો ગાંધીનગર જવાનો રસ્તો નકકી કરે છે. વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરોના કારણે ભારે નુકશાની વેઠવી પડી હતી.
ગત સપ્ટેમ્બર માસમાં રાજયમાં નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય ભાજપ દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રને ભારોભાર અન્યાય થયો છે. કદ મુજબ નેતાઓ વેતરાયા છે. રાજયમાં હવે કોંગ્રેસ ઉપરાંત આમઆદમી પાર્ટી પણ ભાજપ માટે પડકાર બની ને ઉભી છે. આવામાં પક્ષ કોઈપણ પ્રકારની કચાશ રાખવા માંગતો નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ ગુજરાતનાં એકપણ કાર્યક્રમમાં આમંત્રણ ટાળતા નથી. રૂબરૂ આવી ન શકે તો તેઓ વર્ચ્યુઅલ જોડાય છે. આવતીકાલથી ગુજરાતની પીએમની મુલાકાત ઐતિહાસીક બની રહેશે.