- પીએમના હસ્તે આવતીકાલે સુરતમાં મહત્વાકાંક્ષી ડ્રીમ સિટી પ્રોજેકટ, બાયોડાયવર્સિટી પાર્ક સહિતના 3472.54 કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત: ભાવનગરમાં વિશ્ર્વના પ્રથમ સી.એન.જી. ટર્મિનલ અને બ્રાઉન ફિલ્મ પોર્ટનું શિલાયન્સ કરશે
- 30મીએ ગાંધીનગર રેલવે સ્ટેશનથી વંદે ગુજરાત ટ્રેનને આપશે લીલીઝંડી અમદાવાદ મેટ્રોના પ્રથમ ફેઝનું કરશે લોકાર્પણ: તરંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું ભૂમી પુજન કરશે માઁ અંબાની આરતી ઉતારશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલથી ફરી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પી.એમ.ના હસ્તે સુરત, અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા સહીતના શહેરોમાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે અમદાવાદ વાસીઓ જેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે તે મેટ્રો રેલ પ્રોજેકટના પ્રથમ તબકકાનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ભાવનગરમાં વિશ્ર્વના પ્રથમ સી.એન.જી. ટર્મિનેલ અને બ્રાઉન ફિલ્ડ પોર્ટનું શિલાયન્સ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ડો. મનસુખભાઇ માંડવીયા અને પુરૂષોતમભાઇ રૂપાલાના માદરે વતન ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. તાજેતરમાં બે દિવસ અમિતભાઇ શાહ ગુજરાતની મુલાકાતે હતા દરયિમાન આવતી કાલથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.
વડાપ્રધાન આવતીકાલે સુરત શહેરની મુલાકાત લેશે તેઓના હસ્તે રૂ. 3472.54 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે જેમાં પાણી પુરવઠાના રૂ. 672 કરોડના કામો, ડ્રેનેજ પ્રોજેકટસના રૂ. 890 કરોડના રૂ. 370 કરોડના ડ્રીમ સીટી પ્રોજેકટ, રૂ. 319 કરોડના ખર્ચે બનનારા બાયો ડાયવર્સિટી પાર્ક, સહિતના કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરશે આ ઉપરાંત તેઓ સૌરાષ્ટ્રના ભાવનગર શહેરની મુલાકાત લેશે ભાવનગરમાં વિશ્ર્વના પ્રથમ એવા સી.એન.જી. ટર્મિનલ અને બ્રાઉન ફિલ્ડ પોર્ટનું ભૂમી પુજન કરવામાં આવશે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અને એપીપીએલ ક્ધટેનરનું ઉદઘાટન કરશે. ભાવનગરમાં આકાર લેનારા પ્રથમ ટર્મિનલ અને બ્રાઉન ફિલ્મ પાર્કને રૂ. 4024 કરોડના ખર્ચ વિકસાવવામાં આવશે આ પ્રોજેકટથી માત્ર ભાવનગર જ નહી સમગ્ર સૌરાષ્ટ્ર માટે વિકાસના નવા દ્રાર ખુલશે.
દરમિયાન 30મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે પણ ગુજરાતની જનતાને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે. તેઓના હસ્તે અમદાવાદ મેટ્રો રેલના પ્રથમ તબકકાના કામનું લોકાર્પણ કરવામાં આવશે જેમાં પ્રથમ ફ્રેઝમાં રૂ. 12000 કરોડના ખર્ચે થલતેજથી વસ્ત્રાલના રૂટન આરંભ કરવામાં આવશે 40 કી.મી. લાંબા આ રૂટમાં પૂર્વ અને પશ્ર્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ર1 કી.મી. થલતેજ ગામથી એપરલ પાર્ક સુધીનો રૂટ, પૂર્વ અને પશ્ર્ચિમ કોરીડોરમાં 17 સ્ટેશન છે. જયારે ઉત્તર અને દક્ષિણ કોરીડોર 19 કિલોમીટરનો રહેશે. જે વાસણા એપીએમસીથી લઇ મોટેરા ગામ સુધીના 1પ સ્ટેશનનો રહેશે પૂર્વ-પશ્ર્ચિમ કોરીડોરમાં 6.6 કી.મી.નું અન્ડર ગ્રાઉન્ડ સેકશન છે જેમાં ચાર અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશન છે.
આ ઉપરાંત વડાપ્રધાનના હસ્તે શુક્રવારના રોજ બનાસકાંઠામાં 7908 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરવામાં આવશે. તરંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું ભુમિ પુજન કરાશે અંબાજી ખાતે જંગી જાહેર સભા સંબોધશે. 7908 કરોડના કામોનું ખાતમુહુર્ત લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે.
- બનાસકાંઠામાં 7908 કરોડના વિકાસ કામોનું થશે ખાતમૂહૂર્ત લોકાર્પણ
- અંબાજી ખાતે જાહેરસભામાં સંબોધશે ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ અમદાવાદ, ભાવનગર, સુરત અને બનાસકાંઠામાં વિિ વધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વિવિધ યોજનાઓ અંતર્ગત નાગરિકોની સુખાકારી માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, છેલ્લા એક વર્ષમાં વિવિધ વિકાસકાર્યોને વેગ આપવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બરના વડાપ્રધાન બનાસકાંઠામાં હાજર રહેશે અને અહીં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના(વિકસતી જાતિ કલ્યાણ), ડો. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ 1967 કરોડના ખર્ચે બનેલા 8633 આવાસોનું ખાતમુહૂર્ત અને 53172 આવાસોનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. તે સિવાય 124 કરોડના ખર્ચે નિર્માણ પામનારા અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત અને 85 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મીઠા-થરાદ-ડીસા-લાખણી રોડનું લોકાર્પણ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે નવી તારંગા હિલ- આબુ રેલવે લાઇનને મંજૂરી આપી છે. તેનાથી રોજગાર નિર્માણની સાથે, નાગરિકોને પરિવહન માટે નવી સુવિધા મળશે અને વિકાસને વેગ મળશે. 2798 કરોડના ખર્ચે નિર્માણ થનારી આ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાન ભૂમિપૂજન કરશે. તે સિવાય ડીસા એરફોર્સ સ્ટેશનમાં 1000 કરોડના ખર્ચે રનવે અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભૂમિપૂજન કરશે. ત્યારબાદ 1881 કરોડના ખર્ચે નિર્મિત 62.15 કિમીની પાલનપુર-મહેસાણા રેલવે લાઇનનું લોકાર્પણ કરશે.
અંબાજી ખાતે જાહેરસભામાં વડાપ્રધાન દ્વારા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ તેઓ સાંજે 7થી 7.30 વાગ્યા સુધી અંબાજી મંદિરમાં પૂજા કરવા જશે. ત્યારબાદ તેઓ ગબ્બરમાં મહાઆરતીમાં ભાગ લેવા જશે. અંબાજી ખાતે પ્રસાદ યોજના અંતર્ગત ભાવિકોની સુવિધા માટે વડાપ્રધાન 53 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે.