સુરત એરપોર્ટનું પણ લોકાર્પણ કરી દેવાશે: કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં નિર્માણાધીન શહેરના પ્રથમ એલીવેટેડ બ્રિજનું પણ પીએમના હસ્તે લોકાર્પણ કરાવાની કોર્પોરેશનની તૈયારી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની જનતા જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યું છે તે હિરાસર એરપોર્ટનું આવતા સપ્તાહે ઉદ્ઘાટન કરી દેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી 16મી જુલાઇના રોજ માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ હિરાસર ઉપરાંત સુરત એરપોર્ટનું પણ લોકાર્પણ કરી દેવામાં આવશે. વડાપ્રધાનની રાજકોટ મુલાકાત અંગે પીએમઓ દ્વારા ગઇકાલે સાંજે કલેક્ટર વિભાગના અધિકારીઓને જાણ કરી દેવામાં આવતા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે. વડાપ્રધાન ક્યારે રાજકોટ આવશે અને જાહેર સભા સંબોધશે કે કેમ? તે સહિતનો સત્તાવાર કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને મેયર ડો.પ્રદિપ ડવે આગામી 16મી જુલાઇની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રાજકોટની મુલાકાતને સમર્થન આપ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે 16મીના રોજ વડાપ્રધાનના હસ્તે હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કરી દેવામાં આવશે. આ ઉપરાંત તેઓ સુરત એરપોર્ટને ખૂલ્લુ મૂકી દેશે. હાલ માત્ર પીએમઓમાંથી આટલી જ સૂચના મળી છે. વડાપ્રધાન ક્યારે રાજકોટ આવશે અને સભા સંબોધશે કે કેમ? તે સહિતનો સત્તાવાર કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
મેયર ડો.પ્રદિપ ડવે વધુમાં ઉમેર્યું હતું કે કોર્પોરેશન દ્વારા શહેરના કાલાવડ રોડ અને 150 ફૂટ રીંગ રોડ પર કેકેવી સર્કલ પાસે હયાત ઓવરબ્રિજ પર રૂ.129 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ એલીવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જેનું કામ હાલ પૂર્ણતાના આરે છે. એક સપ્તાહમાં કામ પૂર્ણ થવાની સંભાવના છે ત્યારે આ બ્રિજનું લોકાર્પણ કરવા માટે પીએમને આમંત્રણ પાઠવવામાં આવશે. જો વડાપ્રધાન દ્વારા અનુમોદના આપવામાં આવશે તો 16મી જુલાઇએ કેકેવી ચોક બ્રિજ વાહનચાલકો માટે ખૂલ્લો મૂકી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની ભાગોળે આવેલા હિરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેને લાઇસન્સ ઇશ્યૂ કરવાની પ્રક્રિયા આગામી એક સપ્તાહમાં પૂર્ણ થઇ જશે. આજે સુરક્ષા સહિતની બાબતે ડીજીસીએની ટીમ દ્વારા સમિક્ષા કરવામાં આવી રહી છે. આગામી 16મી જુલાઇના રોજ હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન થયા બાદ એક મહિનામાં અહિંથી ઓપરેશન શરૂ થઇ જશે. એટલે કે ડોમેસ્ટીક ફ્લાઇટ ઉડાન ભરતી થઇ જશે. જ્યારે આગામી એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સુવિધા પણ ઉપલબ્ધ થઇ જશે. હિરાસર એરપોર્ટના ઉદ્ઘાટન માટે 16મી જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવી રહ્યા હોય કલેક્ટર, તંત્ર તથા એરપોર્ટ ઓથોરિટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં સુરક્ષાની ચકાસણી માટે કેન્દ્રની અલગ-અલગ ટીમો રાજકોટમાં ધામા નાંખશે.
હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટમાં સભા સંબોધે તેવી પણ સંભાવના જણાઇ રહી છે. શહેર ભાજપ દ્વારા પ્રદેશ ભાજપના હોદ્ેદારોના માર્ગદર્શન હેઠળ પીએમની સંભવિત સભાને લઇ તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતની મુલાકાત દરમિયાન પીએમના હસ્તે સુરત અને રાજકોટ એમ બે એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. હાલના કાર્યક્રમમાં અન્ય કોઇ બીજા કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો નથી પરંતુ સત્તાવાર કાર્યક્રમ આવ્યા બાદ ખબર પડશે કે પીએમ કેટલા કલાક રાજકોટમાં રોકાશે. સાતમ-આઠમના તહેવાર પહેલા હિરાસર એરપોર્ટ શરૂ થઇ જાય તેવી પ્રબળ સંભાવના હાલ જણાઇ રહી છે.