રાજકોટમાં સફાઈ વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા અને અન્ય સેવાઓ પર સીસીટીવી સર્વેલન્સના પ્રોત્સાહક પરિણામો રાષ્ટ્ર સાથે શેર કર્યા
સ્માર્ટ સિટી રાજકોટમાં તાજેતરમાં જ ૧૫માં ફાઈનાન્સ કમિશને રાજકોટ આઈ-વે પ્રોજેકટ અને તેના ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ તેના પરિણામોની જાણકારી મેળવી તેની પ્રશંસા કરી હતી ત્યારે તાજેતરમાં જ ભારતના માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક સમારોહમાં ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન હેઠળ દેશના ૧૦૦ શહેરોમાં થઈ રહેલા વિકાસ અને હાથ ધરવામાં આવી રહેલા અનેકવિધ પ્રોજેકટ વિશે માહિતી આપી હતી. જેમાં તેઓએ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવેલા સીસીટીવી સર્વેલન્સ માટેના રાજકોટ આઈ-વે પ્રોજેકટનો ખાસ ઉલ્લેખ કરી તેની પ્રશંસા કરી હતી જે સમગ્ર રાજકોટ માટે ગૌરવની વાત છે.
રાજકોટ શહેરમાં આ પ્રોજેકટ કાર્યરત થતા કેવા કેવા ઉમદા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યા છે તે વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજકોટ આઈ-વે પ્રોજેકટના સીસીટીવી સર્વેલન્સને કારણે રાજકોટમાં છેલ્લા છ માસમાં ક્રાઈમ રેઈટ નોંધપાત્ર રીતે નીચો ઉતર્યો છે. ઉપરાંત રાજકોટ આઈ-વે પ્રોજેકટના ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા મહાનગરપાલિકાની સફાઈ કામગીરી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપર સતત નિગરાની રહેવાથી આ કામગીરી વધુ અસરકારક બની છે.