વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૩મીએ પશ્ર્ચિમ બંગાળની મુલાકાતે જશે અને નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિએ યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તા.૨૩મીએ નેતાજી બોઝની જયંતિને સરકારે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે અને આ દિવસે પશ્ર્ચિમ બંગાળમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા છે.
પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી રાજકીય પક્ષોએ પોત પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ પશ્ર્ચિમ બંગાળમાં પોતાની સરકાર બનાવવા તનતોડ મહેનત કરી રહ્યો છે. ભાજપના વિજય માટે ટોચના નેતાઓ રાજ્યની અવાર નવાર મુલાકાત લઈ રહ્યાં છે. ૨૩મીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિ છે. આ દિવસે પરાક્રમ દિવસ ઉજવવાનું નક્કી થયું હોવાથી વડાપ્રધાન મોદી તા.૨૩ના રોજ પશ્ર્ચિમ બંગાળની મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાન નેતાજી બોઝની ઉજવણીના કેટલાક કાર્યક્રમોમાં જોડાશે. વડાપ્રધાન નેશનલ લાયબ્રેરીની મુલાકાત લેશે, વિકટોરીયા મેમોરીયલમાં પણ જશે.
પશ્ર્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન મોદી નેતાજીની ચિઠ્ઠીઓ ઉપર છપાયેલ એક પુસ્તકનું અનાવરણ પણ કરશે. વડાપ્રધાન પોતાની મુલાકાત દરમિયાન આઝાદ હિન્દ ફોજના સભ્યોની મુલાકાત પણ લેશે. આ મુલાકાતના અંતે તેઓને સંબોધન પણ કરશે.
અત્રે એ યાદ આપીએ કે પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા આવેલી નેતાજી જયંતિ ઉપર ભારત સરકાર જ નહીં રાજ્ય સરકારે પણ વિવિધ કાર્યક્રમો યોજયા છે. બંગાળ સરકાર, ટીએમસી તરફથી આ કાર્યક્રમો યોજાયા છે.
હવે જોવાનું એ છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજેલા કાર્યક્રમમાં હાજરી આપે છે કે નહીં. નેતાજીનું મૃત્યુ તેમની ચિઠ્ઠીએ સંવેદનશીલ વિષય છે, એટલે રાજકીય પક્ષો પોતાના ચૂંટણી પ્રચારમાં એને ચૂંટણીમાં મુદા બનાવી મતદારોને રીઝવવાની કોશિષ કરી રહ્યાં છે.