જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે બપોરે ભારતીય ઇતિહાસના સૌથી મોટાં આત્મઘાતી હુમલાએ આખા દેશને હચમચાવી દીધો છે. પુલવામા જિલ્લામાં શ્રીનગર-જમ્મુ રાજમાર્ગ પર થયેલા આ હુમલામાં 44 જવાન શહીદ થયા છે, જ્યારે અનેક જવાન હજુ પણ ઘાયલ છે. આ હુમલા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સુરક્ષા મામલાના કેબિનેટ કમિટીની બેઠક થઇ.

જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની જાણકારી આપવા માટે આજે એક સર્વપક્ષીય બેઠક યોજાવવાની છે. અધિકારીઓએ આ જાણકારી આપી. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયાં. આ બેઠક ગૃહમંત્રી રાજનાથ સિંહે બોલાવી છે. તમામ મોટા રાજકીય પક્ષોને આ માટે આમંત્રણ આપી દેવાયું છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે તમામ પાર્ટીઓને પુલવામામાં થેયેલા આતંકી હુમલા અને સરકાર દ્વારા અત્યાર સુધીમાં ઉઠાવવામાં આવેલા પગલાં અંગે જાણકારી આપવામાં આવશે. ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આ બેઠક સંસદમાં સવારે 11 કલાકે શરૂ થશે. શહીદોના પાર્થિવ શરીર તેમના ઘરે પહોંચાડવામાં આવી રહ્યાં છે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલી સીસીએસની બેઠકમાં સર્વપક્ષીય બેઠક બોલાવવાનો નિર્ણય લેવાયો. આ અગાઉ નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે આ ઘટના અંગે તમામ પાર્ટીઓને જાણકારી આપવા એક બેઠક બોલાવવામાં આવી છે જેથી કરીને આખો દેશ એક સ્વરમાં વાત કરી શકે.

હુમલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ શરીર શુક્રવારે દિલ્હી લાવવામાં આવ્યાં હતાં. પીએમ મોદીએ પાલમ એરપોર્ટ પર જઈને જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. વાયુસેનાના સી-17 વિમાન દ્વારા આ પાર્થિવ શરીર દિલ્હી લવાયા હતાં. પીએમ મોદી ઉપરાંત રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં. પીએમ મોદીએ ભાજપના તમામ મંત્રીઓ અને સાંસદોને નિર્દેશ પણ આપ્યાં છે કે તેઓ પોત પોતાના રાજ્યોમાં આ જવાનોના અંતિમ સંસ્કારના સમયે ત્યાં હાજર રહે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.