વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓકટોબરનાં પ્રથમ અઠવાડીયામાં ફરીથી ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સંભવત ૭ અથવા ૮મી ઓકટોબરે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. ત્યારબાદ ફરીથી તેઓ ૧૬મી ઓકટોબરે અડાલજ નજીક યોજાનારા ભાજપના પેજ પ્રમુખોના સંમેલનમાં હાજરી આપી જાહેર સભાને સંબોધન કરશે. ગુજરાત સરકાર દ્વારા કેટલાક કાર્યક્રમોની યાદી વડાપ્રધાનના કાર્યાલયને મોકલી અપાઇ છે. જેમાંથી તેઓ નક્કી કરશે. અગાઉ તેઓ ૨જી ઓકટોબરે ભાજપની ગૌરવ યાત્રા માટે આવવાના હતા પરંતુ હવે ૨જી ઓકટોબરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવી રહ્યા હોઇ વડાપ્રધાન ૨જી તારીખે આવવાના નથી. સરકારનાં ટોચના સૂત્રોનાં જણાવ્યા મુજબ હવે તેઓ ૭મી અથવા તો ૮મી ઓકટોબરે એક દિવસ માટે ગુજરાત આવશે. રાજકોટ નજીક ચોટીલા પાસે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનવાનું છે, જેના માટેની જમીનની ફાળવણી પણ થઇ ગઇ છે અને પર્યાવરણ સહિતનાં વિભાગો દ્વારા વિવિધ મંજૂરી પણ આપી દેવાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ભૂમિપૂજન કરશે. ઉપરાંત મોદીના જન્મસ્થળ એવા ઉત્તર ગુજરાતના વડનગર ખાતે નવ નિર્મિત સરકારી મેડીકલ કોલેજનું લોકાર્પણ તેઓ કરશે. એ સિવાય ટુરીઝમ ડીપાર્ટમેન્ટ દ્વારા અન્ય બેથી ત્રણ કાર્યક્રમો યોજાવાના હોઇ, તેઓ તેમાં પણ હાજરી આપશે. વડાપ્રધાન જો ૭મીએ રાત્રે આવશે તો રાજભવનમાં રાત્રિરોકાણ કરશે અને બીજે દિવસે સાંજે નવી દિલ્હી જવા રવાના થશે. પરંતુ તેઓ ૧૮મીએ સવારે આવશે તો પણ એ જ દિવસે સાંજે પરત જતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.