સાબર ડેરીના 1 કરોડના ત્રણ પ્લાન્ટનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરી હિંમતનગરમાં જાહેરસભાસંબોધી: બપોરે ચેન્નાઇ જઇ કાલે ફરી ગુજરાત આવશે, કાલે ગિફ્ટ સિટીની મુલાકાત લેશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. આજથી ફરી બે દિવસ માટે પીએમ ગુજરાતની મૂલાકાતે છે. સવારે તેઓએ હિંમતનગરમાં સાબર ડેરીના વિવિધ ત્રણ પ્લાન્ટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. બપોરે તેઓ ચેન્નાઇ જશે, આવતીકાલે ફરી ગુજરાત પરત ફરશે.
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ગુજરાતમાં આગમન થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના અગ્રણીઓએ તેઓને આવકાર્યા હતા. પીએમના હસ્તે હિંમતનગરમાં સાબર ડેરીના 305 કરોડના નવા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત 125 કરોડના ડેટાપેકનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે 600 કરોડના ચીજ પ્લાન્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. હિંમતનગરમાં તેઓએ જંગી જાહેરસભાને સંબોધી હતી. આ વેળાએ પીએમના હસ્તે સુક્ધયા યોજના અંતર્ગત દીકરીઓના ખાતા ખોલાવવાના કાર્યક્રમ અને પશુપાલક મહિલાઓના સન્માન કાર્યક્રમમાં સામેલ થયા હતા. બપોરે તેઓ ચેન્નાઇ જવા માટે રવાના થયા હતા. દરમિયાન આવતીકાલે તેઓ ફરી ગુજરાતની મુલાકાતે આવશે.
કાલે બપોરે 4 કલાકે ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટી ખાતે ઇન્ટરનેશનલ ફાઇનાન્સીયલ સર્વિસીસ સેન્ટરની મૂલાકાત લેશે અને આઇએફએસસી ઓર્થોરિટીના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરશે અને દેશના પ્રથમ ઇન્ટરનેશનલ બૂલીયન એક્સચેન્જનો આરંભ કરાવશે. આ તકે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સિતારામન ઉપસ્થિત રહેશે. ગિફ્ટ સિટીમાં ત્રણ મલ્ટીનેશનલ બેન્ક પણ શરૂ કરાશે.