મહેસાણા, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, રાજકોટના જામકંડોરણા સહિતના ગામોમાં અબજો રૂપીયાના વિકાસ કામોનું લોકાર્પણ, ખાતમૂહુર્ત: રોડ-શો અને જાહેરસભા સહિતના આયોજન
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ફરી એકવાર ગુજરાતનો ગઢ ફતેહ કરવા સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા એડી ચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે ગુજરાતનો મોરચો પોતાના હસ્તક લઇ લીધો છે. બન્ને રાષ્ટ્રીય નેતાઓ છાશવારે ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. દરમિયાન આગામી રવિવારથી ફરી ત્રણ દિવસ માટે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓએ અલગ-અલગ જિલ્લાની મૂલાકાત લેશે.
અબોજો રૂપીયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. જાહેર સભા સંબોધશે અને જાજરમાન રોડ-શો ફરી ગુજરાતમાં ચૂંટણીલક્ષી માહોલ બનાવશે. જો કે નવ દિવસના અંતરાલમાં બે વખત રાજકોટની મૂલાકાત લેશે. આગામી રવિવારે પીએમ ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન સોમવારે રાત્રિ રોકાણ રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે કરશે. તેઓ મહેસાણા જિલ્લાના બે પવિત્ર તીર્થધામ બેચરાજીમાં ર્માં બહુચરાજી અને મોઢેરામાં પોતાના કુળદેવી મોઢેશ્ર્વરી માતાજીના દર્શન કરશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 712 કરોડના ખર્ચ ઉભી થનારી વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરશે. જામનગરમાં સૌની યોજનાનું લોકાર્પણ કરશે. રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં જાહેર સભા સંબોધશે અને વિકાસ કામોનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ કરશે.
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાને ગુજરાત પર પોતાનું ફોક્સ વધારી દીધું છે. ગત 29 અને 30 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્રભાઇ મોદી બે દિવસ માટે ગુજરાતની મૂલાકાતે આવ્યા હતા. તેઓએ ભાવનગર, અમદાવાદ, સુરત સહિતના શહેરોની મૂલાકાત લીધી હતી અને જાહેર સભા સંબોધી હતી. આગામી 9 થી 11 ઓક્ટોબર ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. રવિવારે સાંજે તેઓનું ગુજરાતમાં આગમન થશે. તેઓ સાંજે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે સુર્ય મંદિરમાં ઉ5સ્થિત રહી લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળશે અને મોઢેરામાં પોતાના કુળદેવી મોઢેશ્ર્વર માતાજીના દર્શન કરશે. બેચરાજી ખાતે પણ તેઓ ર્માં બહુચરના દર્શન કરી વિવિધ કામોની સમીક્ષા કરશે.
10મી ઓક્ટોબરના રોજ સવારે વડાપ્રધાન ભરૂચ અને આણંદ ખાતે વિવિધ વિકાસ કામો અને પ્રોજેક્ટનું ભૂમી પુજન તથા ખાતમૂહુર્ત કરશે ત્યારબાદ તેઓ જામનગર જિલ્લાની મૂલાકાત લેશે. રૂા.300 કરોડના ખર્ચ સૌની યોજનાની લીન્ક-1 પેકેજ-5 તેમજ રૂા.700 કરોડની સૌની યોજનાની લીન્ક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. તેઓ આણંદ અને અમદાવાદ ખાતે ભાજપના કાર્યક્રમોમાં હાજરી આપશે. 10મીએ રાત્રિ રોકાણ તેઓ રાજકોટ ખાતે કરે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. આ ઉપરાંત 11મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ રાજકોટ જિલ્લાના જામ કંડોરણા ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાનના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઇ તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજથી અલગ-અલગ બે રૂટ પર પ્રદેશ ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યો છે. દરમિયાન કેન્દ્ર સરકારના 13 મંત્રીઓ ચાર દિવસ માટે ગુજરાત વિધાનસભાની અલગ-અલગ 24 બેઠકો પર પ્રવાસ કરી રહ્યા છે. કાર્યકરોમાં ચૂંટણીલક્ષી ઉત્સાહ સર્જવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ વારંવાર ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. આગામી રવિવારથી ફરી પીએમ ત્રણ દિવસ માટે ગુજરાતની મૂલાકાત લેશે અને ત્યારબાદ ફરી તેઓ 19મીએ ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. 19મીની મુલાકાત તેઓને ગુજરાતની ચૂંટણી પહેલાની અંતિમ મુલાકાત બની રહે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. કારણ કે કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા 20થી 23 ઓક્ટોબર દરમિયાન ગમે ત્યારે ચૂંટણીની તારીખનું એલાન કરી દેવામાં આવશે. ચૂંટણી પહેલા રાજ્ય સરકાર પણ જે પ્રોજેક્ટો પૂર્ણ થઇ ગયા છે તેનું લોકાર્પણ કરી દેવા ઇચ્છી રહી છે. આ ઉપરાંત જે પ્રોજેક્ટના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે તે તમામ કામો શરૂ થઇ જાય તે દિશામાં કાર્ય કરી રહી છે.
ભાજપ જ નહીં તમામ રાજકીય પાર્ટીઓ હાલ સંપૂર્ણપણે ઇલેક્શન મોડમાં આવી ગઇ છે. વડાપ્રધાને રાજ્યના તમામ ઝોનમાં જાહેર સભા અને રોડ-શો કરી ચૂંટણીલક્ષી માહોલ બનાવી દીધો છે. બીજી અટકળો એવી પણ ચાલી રહી છે કે 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ હોય તે દિવસે એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એક મોટો કાર્યક્રમ યોજવાની રાજ્ય સરકાર તૈયારી કરી રહી છે. જે પૂર્ણ થયા બાદ 1લી નવેમ્બર કે મોડામાં મોડી 2જી નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી જાહેર કરી દેવાશે.