ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની મૂલાકાત લેશે: IFSCAના મુખ્યાલયની ઇમારતનું શિલાન્યાસ: ઇન્ટરનેશનલ બૂલિયન એક્ચચેન્જનું લોન્ચીંગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માદરે વતનમાં આંટાફેરા વધી રહ્યા છે. ગઇકાલે રાજ્યના હિંમતનગરમાં અમુલ ડેરીના અલગ-અલગ ત્રણ પ્લાન્ટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યા બાદ આજે ફરી એકવાર પીએમ ગુજરાતની મૂલાકાતે આવ્યા છે. ચાર કલાકનું રોકાણ કરશે. તેઓ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. આઇએફએસસીએના મુખ્ય ઇમારતનો શિલાન્યાસ કરશે તથા પ્રથમ ઇન્ટરનેશનલ બૂલીયન એક્સચેન્જનો આરંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારામન, રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ, કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના કોર્પોરેટ મંત્રી ડો.ભગવત કિશનરાવ કરાડ અને કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરી ઉ5સ્થિત રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટીના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કરશે, જે ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રોમાં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત નિયમનકાર છે. IFSCAના મુખ્યાલયની ઇમારતની આઇકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે, જે અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે GIFT-IFSC ની વધતી જતી વિશેષતા અને કદને પ્રતિબિંબિત કરે છે.
વડાપ્રધાન GIFT-IFSCમાં ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ લોન્ચ કરશે. ભારતમાં સોનાના વિત્તિયકરણને વેગ આપવા ઉપરાંત ગુણવત્તાની ખાતરી સાથે કાર્યક્ષમ ભાવની સુવિધા આપશે.
આનાથી ભારતને વૈશ્વિક બુલિયન માર્કેટમાં તેનું યોગ્ય સ્થાન મેળવવા અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાને પ્રામાણિકતા અને ગુણવત્તા સાથે સેવા આપવા માટે સશક્તિકરણ મળશે. સાથે જ તે એક મુખ્ય ઉપભોક્તા તરીકે વિશ્ર્વ બુલિયનના ભાવને પ્રભાવિત કરવામાં ભારતને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા સક્ષમ બનાવવાની ભારત સરકારની પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટ કરે છે.
વડાપ્રધાન NSE IFSC-SGX કનેક્ટ પણ લોન્ચ કરશે. આ કનેક્ટ હેઠળ સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ (SGX) ના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા NIFTY ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ NSE-IFSC ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ પર રૂટ કરવામાં આવશે અને મેચ કરવામાં આવશે. આ કનેક્ટ GIFT-IFSC પર ડેરિવેટિવ માર્કેટ્સમાં તરલતાને વધુ સ્પષ્ટ કરશે, વધુ આંતરરાષ્ટ્રીય સહભાગીઓને લાવશે અને નાણાકીય ઇકો-સિસ્ટમ પર હકારાત્મક અસર કરશે. ભારતમાંથી બ્રોકર-ડીલર્સ અને સમગ્ર આંતરરાષ્ટ્રીય અધિકાર ક્ષેત્રો સાથે જોડાણ દ્વારા ડેરિવેટિવ્ઝના વેપાર માટે મોટી સંખ્યામાં ભાગ લેવાની અપેક્ષા છે.વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અન્ય કેટલીક મહત્વની જાહેરાતો પણ કરવામાં આવે તેવી સંભાવના પણ રહેલી છે.