વડાપ્રધાન પ્રથમવાર જસદણ પધારતા લોકોમાં સ્વયંભુ ભારે ઉત્સાહ: જાહેરસભામાં માનવ મેદની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
જસદણ વિસ્તારની ભાજપની બેઠક માટે આજે ખુદ દેશના વડાપ્રધાનએ સભા ગજવી હતી. જેથી જસદણ બેઠકના ભાજપના વફાદારોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટયા હતા. શહેરથી પાંચ કિલોમીટર દુર વિંછીયા રોડ પરના કાળાસર ગામના પાટીયા નજીક વિશાળ ગ્રાઉન્ડમાં આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાજપની વિકાસયાતામાં યાત્રાળુઓને જગાડવા માટે ઠંડીના હુંફાળા વાતાવરણમાં પરસેવો પાડયો હતો. આઝાદીના ઇતિહાસથી જસદણ બેઠક ઉપર ઇસ્વીસન ૨૦૦૯ની પેટા ચુંટણીમાં માત્ર એકવાર કમળ ખીલ્યું હતું. ત્યારબાદ અને પૂર્વે કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ત્યારે હાલ આ બેઠકમાં મુખ્ય બંને પક્ષોના ઉમેદવારો કુંવરજીભાઇ બાવળીયા અને ડો. ભરતભાઇ બોદારા વચ્ચે ભારે રસાકસી છે. છેલ્લા ખાસ કરીને ૧પ દિવસથી બંને પક્ષોએ એડી ચોટીનું જોર લગાવી અનેક પ્રકારે પ્રચાર પ્રસાર કરી પોતાના પક્ષમાં લઇ માન સન્માન આપવા માંડયા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જસદણ બેઠક માટે મતદાન કેવું થશે ? અપક્ષો કેવી ભૂમિકા ભજવશે ?
સંતુષ્ઠો અને દર વખતની ચુંટણીને ચુંટણી બનાવનારાઓ કેવી ભૂમિકા ભજવશે? તે સવાલ પણ રાજકારણમાં ચર્ચાય રહ્યો છે. ત્યારે મતદારોનું મન કળવું હજુ અકળ છે. પણ આ ચુંટણીમાં નેતાઓને ખર્ચ ગમતો નથી પણ દોડી રહ્યા છે. ત્યારે દેશના પ્રધાનમંત્રીના ભાષણની અસર કેવી પડે છે. અને સામે કોંગ્રેસે કેવો વ્યુહ અપનાવે છે તે જોવાનું રહ્યું ! દેશના વડાપ્રધાન આજે જસદણમાં પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમવાર અને મુખ્યમંત્રી હતા ત્યારે ત્રણવાર આવી ચુકેલા નરેન્દ્રભાઇ મોદીના આગમન પૂર્વે સુરક્ષા અને બંદોબસ્ત જડેબસેલાક ગોઠવાયો છે. કોઇ પંખી પણ ફરકી ન શકે તે માટે આમ તો છેલ્લા ત્રણ દિવસથી પરંતુ આજે સવારથી કાળાસર ચોકડી સભાના સ્થળથી છેક જસદણ લીલાપુર જેવા ગામોના ૧૦ કિલોમીટર ના એરીયામાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સભામાં લોકો માટે પાણીથી લઇ આરોગ્ય સુધીની સગવડતાઓ તંત્રએ આયોજન બઘ્ધ ગોઠવી છે.
સાથે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થામાં કોઇ કચાસ ન રહે તે તે માટે ગુજરાતભરના મુખ્ય અધિકારીઓ સુરક્ષા એજન્સીઓ સ્ટેન્ડ અપ થઇ વડાપ્રધાનને સભાના મેદાનમાં પાછળ બનાવેલ હેલીપેડથી પોલીસના ઉચ્ચ અધિકારી સતત માર્ગદર્શન આપી વડાપ્રધાનને સભાના સુધી દોરી લાવ્યા છે. સભામાં જસદણ વીછીંયા, ભાડલા, આટકોટ વિરનગર, મોટા દડવા, કાળાસર જેવા બંને તાલુકાના અનેક ગામોના લોકો આ સભામાં આવ્યા છે. વડાપ્રધાનના આગમનને કારણે ગત રાત ભર જસદણ વીંછીયા હાઇવે ધમધમતો રહ્યો પોલીસ બંદોરસ્ત ગોઠવાઇ જતા રસ્તાઓની રફતાર ધીમી પડી ગઇ હતી. જસદણ વિધાનસભા-૭રની બેઠક હાલ તો બંને પક્ષે કાંટાની ટકકર છે અને આજે ભાષણ પછી મતદારોને શું અરસ થશે ? અને આજના કાર્યક્રમ બાદ કોઁગ્રેસ કેવો વ્યુહ ઘડે છે તે જોવાનું રહ્યું પણ જસદણમાં આજે દેશના પ્રધાનમંત્રી મોદી આવતા ભાજપના જુના અને નવા કાર્યકરોના ઘરે ઘરે લાપસીના આંધણ મુકાયા જેવો ઘાટ ઘડાયો હતો.