ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેથી ડિજિટલ ઈન્ડિયા વીક-2022નો આરંભ કરાવશે: રાજભવન ખાતે પ્રદેશ ભાજપના નેતાઓ સાથે એક કલાકની મીટીંગ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સંપુર્ણ ફોકસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર: પખવાડીયાએ પધરામણી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ફરી એકવાર માદરે વતન ગુજરાતની મુલાકાત પર છે આજે ચાર કલાક માટે તેઓ ગુજરાતમાં રોકાણ કરશે ડિજીટલ ઈન્ડીયા વીક 2022નો આરંભ કરાવશે અને રાજભવન ખાતે પ્રદેશ ભાજપના નેતાઓ સાથે એક કલાકની મેરેથોન બેઠક યોજાશે જેમાં વિધાનસભાની આગામી ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે ગણતરીનાં મહિનાઓ બાકી રહ્યા છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ હવે પખવાડીયામાં એકાદ વખત તો અચૂક ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે.ગુજરાતએ પીએમ અને હોમ મિનિસ્ટરનું હોમસ્ટેટ હોવાના કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને થોડુ અમસ્તુ પણ નુકશાન પાલવે તેમ નથી ભાજપ આ વર્ષે રેકોર્ડ બ્રેક બેઠકો જીતે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ગત સપ્તાહે બેદિવસ માટે ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ધામા નાખ્યા હતા. દરમિયાન ગઈકાલે હૈદરાબાદ ખાતે યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓએ ભાગ લીધો હતો. દરમિયાન આજે ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચાર કલાક માટે ગુજરતાની મુલાકાતે આવી રહ્યા છે. બપોરે 3 કલાકે નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે જયાં તેઓનું રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સહિતના દ્વારા અભિવાદન કરવામાં આવશે.
ત્યાર બાદ તેઓ ગાંધીનગર સ્થિત મહાત્મા ગાંધી મંદિર ખાતેથી કેટલાઈઝીંગ ન્યુ ઈન્ડિયાઝ ટેકેડ થીમ આધારિત ડિજિટલ ઈન્ડિયા વીક-2022નો દેશવ્યાપી શુભારંભ કરાવશે. ડિજિટલ ઈન્ડીયામાં અનેક સેવાઓ હવે આંગળીના વેઢે મળશે અગાઉ આ કાર્યક્રમનો વડાપ્રધાન દિલ્હીથી આરંભ કરાવવાના હતા પરંતુ અચાનક આ કાર્યક્રમ ગુજરાતને ફાળવી દેવામાં આવ્યો હતો.ડિજિટલ ઈન્ડિયા વીક-2022નો આરંભ કરાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના હોદેદારો ગુજરાતનાં સીનીયર નેતાઓ, રાજય સરકારના મંત્રીઓ સાથે બેઠક કરશષ.જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે પાંચ મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. ત્યારે હાલ ભાજપ દ્વારા ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણીલક્ષી તૈયારીઓની પીએમ સમીક્ષા કરશે અને જરૂરી માર્ગદર્શન આપશે. ગુજરાતમાં માત્ર ચાર કલાક માટે વડાપ્રધાન રોકાણ કરશે તેઓનો આજનો કાર્યક્રમ ખુબજ વ્યસ્ત છે.