ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધી
ગઈકાલે સાંજે રાજકોટમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી પત્રકારોને સંબોધ્યા હતા અને વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિતે યોજાનારા કાર્યક્રમની માહિતી આપી હતી. પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સાહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર પરિષદ સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘણીએ જણાવ્યું હતું કે, ૧૭મીએ ભારતના વડાપ્રધાને પોતાનો જન્મદિન ઉજવવા ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આજે મોડી રાતે ૧૦ વાગ્યે અમદાવાદ આવશે જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ભાજપના કારકર્તાઓ અવનવી વેશભૂષામાં સજ્જ રહેશે. આજે તેઓ રાજભવનમાં રાત્રી રોકાણ કરશે અને ૧૭મીએ જન્મદિન નિમિતે માતા હીરાબાના આશીર્વાદ લેશે ત્યારબાદ કેવડિયા કોલોનીમાં મહાઆરતીમાં ભાગ લેશે.
વધુમાં વાઘાણીએ જણાવ્યું હતું કે, નર્મદા ડેમની જળસપાટી ૧૩૮ મીટરને પાર કરી ગઈ છે ત્યારે આ ઐતહાસિક ઘડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ડેમ પર ઉપસ્થિત રહીને નર્મદાના નિરના વધામણાં કરશે. સમગ્ર રાજ્યભરમાં તાલુકા લેવલ સુધી આ કાર્યક્રમ યોજાશે.આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં લોકમત અને લોકમાનસ ભાજપ સાથે જોડાય અને સ્વરછતા તથા પ્લાસ્ટિક મુકત ગુજરાત એક આંદોલન બને તે માટેના ભગીરથ પ્રયાસ હાથ ધરી પ્રધાનમંત્રી મોદીનો જન્મદિન સાચા અર્થમાં સેવાકીય કાર્યોનું પ્રતિબિંબ બને તેવા પ્રયાસો સમગ્ર ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવશે.