બાકી રહેલા લોકોને વેકસીન સરળતાથી મળે અને અન્ય દેશોને પણ વેકસીન આપી મદદ કરવા સહિતની ચર્ચાઓ થાય તેવી સંભાવના

અબતક, નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોના વેક્સિન બનાવતી સાત ભારતીય કંપનીઓના પ્રતિનિધિઓને મળશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ભારતે તેના નાગરિકોને રસીના 100 કરોડ ડોઝ આપવાની સિદ્ધિ હાંસલ કરી છે. અહેવાલો મુજબ, વડાપ્રધાન સાથેની આ બેઠકમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, ભારત બાયોટેક, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઝાયડસ કેડિલા, બાયોલોજિકલ ઈ, જેનોવા બાયોફાર્મા અને પેનેશિયા બાયોટેકના પ્રતિનિધિઓ હાજર રહેશે.

સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આ બેઠક દરમિયાન વડાપ્રધાન દેશની વસ્તીને વહેલામાં વહેલી તકે રસીકરણ કરવા અને બધાને રસી પહેલ હેઠળ અન્ય દેશોને મદદ કરવા માટે આગ્રહ કરી શકે છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં રસીઓના 101.30 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના રસીના 105.7 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું અને તેના પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. બાદમાં 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સનું રસીકરણ શરૂ થયું. તેમજ રસીકરણ ઝુંબેશનો આગળનો તબક્કો 1 માર્ચથી શરૂ થયો હતો, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાનુ શરૂ કર્યુ હતુ. દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોનું રસીકરણ 1 એપ્રિલથી શરૂ થયું અને 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ 1 મેથી શરૂ કરવામાં આવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.