આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય 15 ઓગસ્ટથી આ સેવા શરૂ થશે : વડાપ્રધાન લાલ કિલ્લાના કાર્યક્રમ બાદ તુરંત ગાંધીનગર ખાતે આવી 5જી લોન્ચિંગની ઇવેન્ટમાં હાજરી આપે તેવી શક્યતા
આખા દેશમાં ઈન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ ગાંધીનગર ખાતેથી સર્જાવાની છે. ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15 ઓગસ્ટના રોજ ફાઈવજી સેવાનો શુભારંભ કરાવે તેવુ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
ઈન્ટરનેટ સેવામાં સૌથી ઝડપી હોય તેવી પાંચમી જનરેશન એટલે કે 5જી સેવાઓ દેશમાં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેથી પ્રારંભ થશે. આ સેવાઓ દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમર્પિત કરશે અને તા.15 ઓગસ્ટના રોજ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે શરૂ થશે એવું જાણવા મળી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ઉપર સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ ગુજરાત આવશે અને સેવાઓનો પ્રારંભ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.દેશમાં 5જી સેવાઓ માટે સ્પેક્ટ્રમની નિલામી આ સપ્તાહમાં શરૂ થવાની છે અને તેમાં રિલાયન્સ જીયો, વોડાફોન આઈડિયા અને એરટેલ ઉપરાંત અદાણી જૂથે પણ બિડિંગ કરવા માટે રસ દાખવ્યો છે.
જોકે, અદાણીએ આ સ્પેક્ટ્રમ ખરીદી માત્ર એન્ટરપ્રાઇસ સેવાઓ આપવા માટે જ કરવાની જાહેરાત કરી છે એટલે ગ્રાહકોને તો માત્ર ત્રણ કંપનીઓ તરફથી જ સેવા મળશે. વડાપ્રધાન મોદી આ સેવા શરૂ કરે એ પહેલા વોડાફોન અને જીયો યુદ્ધના ધોરણે તેના લોંચ માટે તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં આ સેવાઓ શરૂ કરવા માટે અત્યારે કામગીરી થઇ રહી છે.
અત્યારે કોઈ કંપની પાસે 5જીની સેવા માટે સ્પેક્ટ્રમ ઉપલબ્ધ નથી. નિલામી પછી વિજેતા કંપનીઓને તાકીદે સ્પેક્ટ્રમ ફાળવવા માટે પીએમઓ અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ કામગીરી કરી રહ્યા છે જેથી તા.15 ઓગસ્ટના તેનું લોંચિંગ થઈ શકે.
અગાઉ જામનગર, ગાંધીનગર અને વડોદરામાં થયું હતું ટેસ્ટિંગ
5જી સેવા શરૂ કરવા માટે છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી છે. લોંચ પહેલા ગુજરાતમાં 5જી સેવાઓનું ટેસ્ટિંગ ગાંધીનગર, જામનગર અને વડોદરામાં થયું હતું. જામનગર ખાતે રિલાયન્સ જીયો અને ગાંધીનગર ખાતે વોડાફોન દ્વારા ટેસ્ટ થયા હતા.