મતદારોને રીઝવવા વૃદ્ધાવસ પેન્શન, જીવન વીમા, બેરોજગારી અને બાળકો માટેની અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરશે
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ વડાપ્રધાન મોદીએ મતદારોને રીઝવવા અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવા જોરશોરી તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ૨૦૧૯ની ચૂંટણીમાં ૫૦ કરોડ ભારતીયો માટે વૃદ્ધાવસ પેન્શન, જીવન વિમા, બેરોજગારી તેમજ કામદારોના કલ્યાણ માટે અબજો રૂપિયાનું ભંડોળ ફાળવશે.
પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ ૨૦૧૯માં આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ સરકાર પૂર્ણ બહુમત સાથે કેન્દ્રમાં ફરી સત્તા સને બેસે તે માટે વડાપ્રધાન મોદીએ મુખ્ય ત્રણ યોજનાઓ ઉપર ફોકસ કર્યું છે. જેમાં વૃદ્ધાવસ પેન્શન, જીવન વીમા તેમજ માતૃત્વ કલ્યાણકારી યોજનાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા બાળકોને લગતી યોજનાઓ, કામદારો તેમજ બેરોજગારોને કેન્દ્રમાં રાખી આ નવીનતમ યોજનાઓ અમલી બનાવવા નક્કી કર્યું છે.
વધુમાં ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પૂર્વે ૫૦ કરોડ ભારતીયોને આ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે માટે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા તમામ તાકાતને કામે લગાડવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા કામદાર કલ્યાણ માટે ૧૫ જેટલા કાયદાઓને મર્જ કરી એક જ કાયદા હેઠળ સુરક્ષા ક્ષેત્ર પુરું પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ફેબ્રુઆરી માસમાં કરોડો ગરીમ કુટુંબો માટે મોદી કેર યોજના તેમજ હેલ્થ પ્રોટેકશન પ્લાન પણ અમલી બનાવ્યો છે ત્યારે આગામી દિવસોમાં ૬ જિલ્લામાં મહત્વપૂર્ણ પાયલટ પ્રોજેકટ શરૂ કરવા તૈયારી કરી લીધી છે. ત્યારે આગામી દિવસોમાં વડાપ્રધાન મોદીનું એકમાત્ર મિશન બેરોજગારી અને બાળકોની કલ્યાણકારી યોજના હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.