કોરોનાના વધતા કેસો વચ્ચે ‘અનલોક-૨.૦’ના અમલ, ચીન સાથે સરહદી વિવાદ, ચીની એપ્લીકેશન પર પ્રતિબંધ સહિતન મુદાઓ પર વડાપ્રધાન મોદી પોતાના સંબોધનમાં સરકારનો પક્ષ રજૂ કરશે
એક તરફ દેશમાં કોરોનાના કેસોમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલથી ‘અનલોક-૨.૦’ની અમલવારી કરવામાં આવનારી છે. બીજી તરફ ચીન સાથે લડાખમાં સરહદ વિવાદ ચાલી રહ્યો છે અને સરકારે ચીની એપ્લીકેશનો પર ડીજીટલ સ્ટ્રાઈક કરી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ફરી એક વખત રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ વડાપ્રધાન મોદી સાંજે ચાર વાગ્યે દેશ જોગ સંબોધન કરશે આ સંબોધનમાં વડાપ્રધાન મોદી કયાં મુદ્દાઓ પર ભાર મૂકીને કેવો સંદેશ આપશે તેના પર દેશભરનાં લોકોની મીટ મંડાયેલી છે. વડાપ્રધાન મોદી આ પહેલા લોકડાઉન અને અનલોકના અમલીકરણ સમયે રાષ્ટ્ર જોગ પ્રવચન કર્યું હતુ. દેશમાં કોરોના વાયરસના કેસોનો આંકડો પાંચ લાખને પાર પહોચી ગયો છે. અને તેમાં ઝડપભેર સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ‘અનલોક-૧.૦’નો સમયગાળો પૂર્ણ થતા આવતીકાલે ૧લી જુલાઈથી ‘અનલોક-૨.૦’નું અમલીકરણ થનારૂ છે. જેના માટે કેન્દ્ર સરકારે ગઈકાલે થોડી છૂટછાટો સાથે નવા નિયમોની જાહેરાત કરી છે. જેથી વડાપ્રધાન મોદી તેમના રાષ્ટ્રજોગ પ્રવચનમાં અનલોક-૨.૦માં રાખવાની સાવધાની અને કોરોનામાં એલર્ટ રહેવા અંગેની માહિતી આપશે તેમ મનાય છે. ચીન ડ્રેગનની આડોડાઈના કારણે લડાખ સરહદે હાલ વિવાદ ચાલી રહ્યો છે ગત ૧૫મી જૂન થયેલા વિવાદ દરમ્યાન થયેલી ઝપાઝપીમાં ૧૦ ભારતીય સૈનિકો શહીદ થવા પામ્યા હતા જે બાદ બંને દેશો વચ્ચે સીમા વિવાદ ઉગ્ર બન્યો છે.
એલઓસી પર ચીને પોતાની સેનાનો જમાવડો કરતા ભારતે પણ તેનો આકરો જવાબ આપીને મોટાપાયે સેના અને શસ્ત્રો તૈનાત કર્યા છે. આ મુદે બંને દેશો વચ્ચે આજે સરહદ પર શાંતિ મુદે ચર્ચા થનારી છે. વડાપ્રધાન મોદી તેમના આજના રાષ્ટ્રજોગ સંબોધનમાં ચીનની આડોડાઈ મુદે તેમની સરકારનો પક્ષ રજૂ કરે તેવી સંભાવના છે. ગઈકાલે કેન્દ્ર સરકારે ટીકટોક સહિતની ૫૯ ચીની એપ્લીકેશનોપર પ્રતિબંધ મૂકી દીધો છે. જે પાછળ સરકારે આ ચીની એપ્લીકેશનો દ્વારા ચીન ભારતના ડેટાની ચોરી કરતા હોવાનો આક્ષેપ મૂકયો છે. પરંતુ દેશભરમાં ચીન સામે જે રીતે ગુસ્સો વધી રહ્યો છે. ત્યારે લોકોને ચીની વસ્તુઓનો ઉપયોગ ઓછો કરીને સ્વદેશી વસ્તુઓનાં ઉપયોગ કરવા પર ભાર મૂકીને દેશને આત્મનિર્ભર બનાવવાની યોજના પર સરકાર ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન મોદી આજના રાષ્ટ્રજોગ પ્રવચનમાં આ મુદે પણ પોતાનો પક્ષ રચે તેવી સંભાવના છે.