ભાજપના કાર્યકરોમાં પ્રધાનમંત્રીને આવકારવાનો અનેરો થનગનાટ: શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
પ્રધાનમંત્રી વિધાનસભા ચૂંટણી પ્રચારાર્થે વધુ એક વખત સૌરાષ્ટ્ર-ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી સોમવારે કેશોદથી તેઓ જામનગર આવશે અને બપોરે બાદ સાત રસ્તા નજીકના મેદાનમાં તેઓની સભા યોજાશે.
જામનગર ભાજપામાં પ્રધાનમંત્રીને આવકારવા થનગનાટ જોવા મળી રહ્યો છે. બીજીબાજી વહિવટીતંત્ર તથા પોલીસ તંત્રમાં પણ વડાપ્રધાનના આગમન પૂર્વના બંદોબસ્તની તૈયારીઓનું આયોજન થઈ રહ્યું છે. ચોથી ડિસેમ્બરે, સોમવારે બપોરે ૪:૩૦ કલાકે સાત રસ્તા નજીકના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી સભાને સંબોધશે. પોલીસ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ તથા કર્મચારીઓ માટેના નિર્ધારિત શેડયૂઅલ્સની તૈયારી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં એવું બનતું હોય છે કે, નરેન્દ્ર મોદીની ચૂંટણીસભા બાદ સ્થાનિક ધોરણે ચુંટણીનો માહોલ તીવ્ર બની જતો હોય છે અને પક્ષ તથા વિપક્ષ બંનેના પ્રચારમાં ગતિ જોવા મળતી હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર ઉતર તથા જામનગર દક્ષિણની બેઠકના ઉમેદવારોના પ્રચારાર્થે આ અગાઉ કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારામન અને ઉતરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી પણ જામનગરનો ચૂંટણી પ્રવાસ ખેડી ચુકયા છે. મહિલાઓનું સંમેલન-સભાઓના આયોજનો તાજેતરમાં જ થયેલા હવે ભાજપના સૌથી મોટા સ્ટારપ્રચારક નરેન્દ્ર મોદી ખુદ સોમવારે આવી રહ્યા હોય, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, આગેવાનો અને હજારો કાર્યકર્તાઓ તૈયારીઓમાં વ્યસ્ત છે અને ઉત્સાહનો થનગનાટ જોવા મળી રહ્યો છે.સોમવારે ભાવનગર, જુનાગઢ, કેશોદ ખાતે સભાઓ સંબોધ્યા બાદ પ્રધાનમંત્રી સીધા જ જામનગર આવશે તેવું સતાવાર રીતે જાણવા મળ્યું છે. જોકે જામનગર પછીનો તેઓનો કાર્યક્રમ સતાવાર રીતે જાહેર થવા પામ્યો ન હોય, એમ માનવામાં આવી રહ્યું છે કે, જામનગરથી પ્રધાનમંત્રી હવાઈમાર્ગે સીધા જ અમદાવાદ અથવા દિલ્હી પરત જવા રવાના થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરની નજીકની ત્રણ બેઠકો પૈકી, બે બેઠકો પર ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોનો વિજયી થયો હતો.